અમદાવાદના દહેગામ ખાતે થર્મોકોલનું કારખાનું ધરાવતા 57 વર્ષીય વેપારી સુરેશભાઈ ભીમજીભાઈ પટેલ પર શુક્રવારે (18 સપ્ટેમ્બર) રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે હુમલો થયો હતો. તેઓ ફોર્ચ્યુનર કારમાં ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે કઠવાડા-હુકા રોડ પર ચુડેલ માતાના મંદિર પાસે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતાં તેમની કારના પૈડાં નીચેથી પાણીના છાંટા ઉડ્યા હતા. તે સમયે બાઇક પર જઈ રહેલા ત્રણ શખસો પર આ છાંટા પડ્યા હતા.
સુરેશભાઈએ કાર બાજુમાં ઊભી રાખી માફી માગી હતી અને ત્યાંથી આગળ નીકળી ગયા હતા. પરંતુ સામેથી આવેલા અન્ય એક બાઇકચાલક સાથે મળીને આ ચારેય શખસોએ તેમની કારનો પીછો કર્યો હતો.
નીલકંઠ ફ્લેટ પાસે રસ્તામાં બેસેલી ગાય સાથે કાર અથડાતાં સુરેશભાઈ કારમાંથી નીચે ઊતર્યા હતા. તે જ સમયે પીછો કરી રહેલા શખસોએ પાછળથી આવીને વેપારીના માથામાં કોઈ અજાણી વસ્તુ ફટકારી દીધી હતી, જેનાથી તેઓ કાદવમાં પડી ગયા હતા. ત્યારબાદ ચારેય શખસોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એટલામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સુરેશભાઈએ ફોન કરી પોતાના ડ્રાઇવર વિષ્ણુભાઈ રબારીને બોલાવ્યા હતા. જે બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં સુરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.