સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદને મળ્યા ત્રણ નવા પોલીસ સ્ટેશન, હવે શહેરમાં કુલ 52 પોલીસ સ્ટેશન

અમદાવાદને મળ્યા ત્રણ નવા પોલીસ સ્ટેશન, હવે શહેરમાં કુલ 52 પોલીસ સ્ટેશન

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પગલા રૂપે ત્રણ નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હંસપુરા, વસ્ત્રાલ અને મોટેરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 49થી વધીને 52 થઈ ગઈ છે.

આ અવસરે હર્ષ સંઘવીએ જણાવ્યું કે નવા પોલીસ સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને પોલીસ સંબંધિત સેવાઓ વધુ સરળતાથી મળી શકશે. પાસપોર્ટ વેરિફિકેશન જેવી કામગીરી પણ પોતાના વિસ્તારની નજીક થઈ શકશે. તેમણે ગુજરાત પોલીસની કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યમાં PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને PI કક્ષાના બનાવવામાં આવ્યા છે અને MD ડ્રગ્સના કુખ્યાત આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતી વખતે હર્ષ સંઘવીએ કહ્યું, "હું પ્રાર્થના કરું છું કે કોઈ સામાન્ય નાગરિકને અહીં આવવું જ ન પડે, પણ જો ગુનેગારો પોલીસ સ્ટેશનમાં આવે તો તેઓ ધ્રૂજવા જોઈએ." તેમણે વેપારીના દુકાનના ઉદ્ઘાટન સાથે સરખામણી કરતાં કહ્યું કે જેમ વેપારી પોતાના ધંધાની પ્રગતિ માટે પ્રાર્થના કરે છે, તેવી જ રીતે નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમયે તેમની પ્રાર્થના છે કે સામાન્ય નાગરિકને ત્યાં જવાની જરૂર ન પડે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવીએ નાગરિકોને નાના વેપારીઓ અને પાથરણાવાળાઓ પાસેથી ખરીદી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નવરાત્રિ દરમિયાન લોકોએ વેપારીઓનો સારો વેપાર કરાવ્યો છે, ત્યારે દિવાળીમાં લારી-ગલ્લા ચલાવતા અને નાના વેપારીઓની પણ દિવાળી સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે અપીલ કરતાં કહ્યું કે જેમ દુકાનમાં ખરીદી કરતી વખતે ભાવ જોયા વગર ખરીદી કરો છો, તેવી જ રીતે નાના વેપારીઓ પાસેથી દીવડા સહિતની વસ્તુઓ ખરીદતી વખતે ભાવતાલ ન કરો.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓના પરિવાર અને તેમની ફરજ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ પરિવાર વર્ષના 365 દિવસમાંથી આશરે 250 દિવસ એવા હોય છે જ્યારે કોઈ ઘટના બને તો પોલીસ કર્મચારીઓ પોતાના બાળકોના જન્મદિવસ જેવા પારિવારિક પ્રસંગો છોડીને પણ ફરજ પર દોડી જાય છે. દિવાળીના તહેવારમાં પણ પોલીસ કર્મચારીઓ 18 કલાક સુધી કામ કરે છે. તેમણે પોલીસ કર્મચારીઓને અપીલ કરી કે 12, 14 કે 18 કલાકની લાંબી ડ્યૂટી બાદ જ્યારે ઘરે જાઓ ત્યારે પરિવાર સાથે સમય વિતાવો. પોલીસ સ્ટેશનની બહાર નીકળો ત્યારે પોલીસગીરી છોડીને પરિવારના સભ્ય તરીકે સમય પસાર કરો.