અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી એક યુવકે આકાશ ઠાકોર નામે ઓળખાતા યુવકે સોસાયટી અને આસપાસના વિસ્તારમાં તોડફોડ, મારામારી અને ધમકીની ઘટનાઓને અંજામ આપ્યો છે. આ યુવક થાર કાર લઈને સોસાયટીમાં પ્રવેશે છે અને જ્યાં-ત્યાં તોડફોડ કરે છે, રસ્તા પર આવતા-જતા લોકો સાથે માથાકૂટ કરે છે અને ગાળો ભાંડે છે.
તાજેતરમાં જ સોસાયટીની બહાર એએમસીની સ્ટ્રીટ લાઇટના થાંભલામાં હથિયારથી તોડફોડ કરીને આગ લગાવી હતી. બીજી ઘટનામાં રસ્તામાં એક વ્યક્તિને ફડાકા પણ માર્યા હતા. આ ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આકાશની હરકતો સ્પષ્ટ દેખાય છે.
આ અંગે અનેક લોકોએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને તેના પરિવારને પણ જાણ કરી હતી. છતાં આકાશનો આતંક બંધ ન થતાં પોલીસે આજે (4 ઓક્ટોબર) તેની અટકાયત કરી છે.
આકાશ ઠાકોરની કરતૂતની ચાર તસવીરોમાં સોસાયટીમાં આડેધડ અને બેફામ ડ્રાઇવિંગ, એએમસીના સ્ટ્રીટ લાઇટના થાંભલામાં તોડફોડ, આગમાં સોસાયટીની કચરા પેટી સળગાવવી અને રસ્તામાં ટ્રકચાલકને ગાળો ભાંડી દરવાજો ખોલી ધમકાવવાનો સમાવેશ થાય છે.
અગાઉ પણ આકાશે સોસાયટીમાં રહેતા લોકોના ઘરે જઈને ધમકાવી ઝઘડાઓ કર્યા છે. સોસાયટીની બહાર જતા વાહનચાલકોને ઊભા રાખીને તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. રસ્તે જતા લોકોને ઊભા રાખી તેમની સાથે ઝઘડા કરે છે. આસપાસના લોકો પણ ભયભીત થઈને આકાશને રોકતા નથી.
પોલીસે આકાશ ઠાકોરની અટકાયત કરી. (બ્લેક શર્ટમાં આકાશ)
આકાશે સ્ટ્રીટ લાઇટના થાંભલામાં આગ લગાવ્યા બાદ તેની સોસાયટીમાં પડેલા કચરાનું ડ્રમ પણ સળગાવી દીધું હતું. સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ અંગે સોસાયટીના સભ્યોએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.
રિક્ષામાં બેઠેલા શખસ પાસે જઈને લાફા માર્યા હતા.
અમદાવાદના મેયર અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ બાબતે અગાઉ ફરિયાદ મળી હતી અને ગઈકાલે પણ જાણ થઈ ત્યારે તાત્કાલિક ધોરણે અમે પોલીસનું ધ્યાન દોર્યું. હવે પોલીસને આ મામલે કાર્યવાહી કરવાની છે. યુવકને આઠ મહિના પહેલા સુરત રિહેબ સેન્ટરમાં મૂકવામાં આવ્યો હતો. રવિવારે પણ અમે આ બાબતે જાણ કરી છે. જો કે પોલીસ હવે આ બાબતે કાર્યવાહી કરશે.
બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલાએ કહ્યું કે, અરજી બાદ આકાશના ઘરે પોલીસ તપાસ માટે પહોંચી હતી. અહીં જાણવા મળ્યું કે આકાશ માનસિક અસ્થિર છે. પરિવારે તેની માનસિક દવાના કાગળો પણ રજૂ કર્યા છે. પરિવારને સમજાવવામાં આવ્યો હતો. આ બાદ પણ અરજી મળતા બોડકદેવ પોલીસે આકાશ ઠાકોરની અટકાયત કરી છે.