અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી થાર કાર લઈને તોડફોડ કરતા આકાશ ઠાકોર નામના યુવકને પોલીસે ઝડપ્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી ત્યારે યુવક માનસિક રીતે બીમાર હોવાનું અને તેની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આકાશ ઠાકોર થાર કાર લઈને નીકળતો અને આસપાસના વિસ્તારોમાં બેફામ તોડફોડ કરતો. તેણે એએમસીની સ્ટ્રીટ લાઇટનો થાંભલો તોડીને તેમાં આગ ચાંપી હતી. આટલું જ નહીં, તેણે કચરાનું ડ્રમ પણ સળગાવી દીધું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઉપરાંત, તે રાહદારીઓ સાથે ઘર્ષણ કરતો અને સોસાયટીના રહીશોના ઘરે જઈને ગેરવર્તન કરતો હોવાના બનાવો પણ બન્યા છે.
યુવકની હરકતોથી કંટાળેલા સોસાયટીના સભ્યોએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અરજીના આધારે પોલીસની ટીમ આકાશના ઘરે તપાસ માટે ગઈ હતી. પૂછપરછ દરમિયાન પરિવારજનોએ મેડિકલ કાગળો રજૂ કરીને જણાવ્યું કે આકાશની માનસિક સ્થિતિ સારી નથી અને તેની દવા ચાલે છે. પોલીસે પરિવારના સભ્યોને સમજાવીને આગળની તપાસ ચાલુ કરી છે.