અમદાવાદના થલતેજ વિસ્તારમાં વીજપોલ તોડીને તેમાં આગ ચાંપવાની ઘટનામાં પોલીસે આકાશ ઠાકોર નામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે.
ઘટના સમયનું CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં આ શખ્સ વીજપોલ સાથે તોડફોડ કરતો જોવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાના ઘરની બહાર આવેલા વીજપોલમાં તોડફોડ કરી હતી.
તપાસ દરમિયાન વધુ એક બાબત સામે આવી છે. આકાશ ઠાકોરે અગાઉ એક કારને પણ આગ ચાંપી હોવાની માહિતી પોલીસને મળી છે. આ બંને ઘટનાઓ વચ્ચેનો સંબંધ શું છે અને આરોપીએ આવા કૃત્યો શા માટે કર્યા, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે ભાજપના ધારાસભ્ય અમિત શાહે પણ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. વિસ્તારમાં લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ તેમણે કરી હતી. ત્યારબાદ તંત્ર અને પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. માનસિક અસ્થિરતાની બાબત સામે આવતાં પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.