અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ (મેગ્નેટ ફ્લોરા) બિલ્ડિંગના બીજા માળે સોમવારે (2 નવેમ્બર) રાત્રે આગ લાગી હતી. આગથી નીકળતા ધુમાડાને કારણે ગભરાયેલા બે કર્મચારીઓએ જીવ બચાવવા બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. અંદર ફસાયેલા અન્ય ત્રણ લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બિલ્ડિંગમાં કર્મચારીઓ સામાન્ય દિવસની જેમ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળે આગ લાગી હતી. થોડી જ વારમાં ધુમાડો આખા માળ પર ફેલાઈ જતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો બહાર નીકળી શક્યા હતા, જ્યારે અન્ય લોકો અંદર ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં બે કર્મચારીઓએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. નીચે ઊભેલા લોકોએ તેમને ઝીલવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ ફાયર કંટ્રોલરૂમને જાણ કરી હતી. નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને બીજી તરફ સીડી લગાવીને અંદર ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગે સમયસૂચકતા દાખવતાં મોટી જાનહાનિ ટળી હતી.