સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ કાપડ બજારમાં દિવાળીની રોનક: રેડીમેડ કપડાં 20-25% મોંઘા, વેપાર 2.5 ગણો થવાની આશા

અમદાવાદ કાપડ બજારમાં દિવાળીની રોનક: રેડીમેડ કપડાં 20-25% મોંઘા, વેપાર 2.5 ગણો થવાની આશા

અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટમાં દિવાળી પહેલા કપડાંની ખરીદી માટે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. કાપડના ભાવમાં વધારો થવાથી રેડીમેડ કપડાં 20 થી 25 ટકા મોંઘા થયા છે, છતાં લોકો ટ્રેન્ડી બેગી જીન્સ અને સ્ટ્રેટ ફિટ કપડાંની ખરીદી કરી રહ્યા છે. વેપારીઓને આશા છે કે આ દિવાળી સિઝનમાં કાપડ બજારનો વેપાર સામાન્ય દિવસો કરતાં અઢી ગણો વધશે.

અમદાવાદ ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે, જ્યાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ લોકો કપડાં ખરીદવા આવે છે. આ વખતે કાપડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, કપાસની ગાંસડીનો ભાવ રૂ. 55,000 થી વધીને રૂ. 72,000 થઈ ગયો છે. યુદ્ધના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી બનતા પોલિએસ્ટરના ભાવ પણ વધ્યા છે. રેયોન અને સિલ્ક સહિત તમામ કાપડ મટિરિયલના ભાવ વધતાં રેડીમેડ કપડાં સરેરાશ 20 થી 25 ટકા મોંઘા થયા છે.

દિવાળી નજીક આવતાં કાપડ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. કપડાંની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે, અને લોકો પરિવાર તેમજ મિત્રો સાથે ઉત્સાહભેર ખરીદી કરવા પહોંચી રહ્યા છે. ભાવ વધુ હોવા છતાં લોકો પોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરી રહ્યા છે, જેથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે.

રેડીમેડ કપડાંના એક વેપારીએ જણાવ્યું કે આ વખતે બેગી જીન્સ અને સ્ટ્રેટ ફિટ કલેક્શનની માંગ વધુ છે, જ્યારે પરંપરાગત કપડાંની માંગ પણ જળવાઈ રહી છે. મોંઘવારી વચ્ચે પણ કપડાંની ખરીદીમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.