અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં જતી રહી હતી. પિતાનું અવસાન અને ત્યારબાદ દાદાના મૃત્યુ બાદ ઘરની આર્થિક સ્થિતિ બદલાઈ ગઈ હતી. સાથે જ શાળામાં ક્લાસ સેક્શન બદલાતાં તેના જૂના મિત્રો અલગ થઈ ગયા હતા. આ બે ઘટનાઓએ તેને માનસિક રીતે તોડી નાખી હતી.
આખો દિવસ મોબાઈલ સ્ક્રીન સામે બેસી રહેતી અને શાળાએ જવાની ના પાડતી સગીરા માટે લાચાર માતાએ '181' અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરા તથા તેની માતાનું લાંબુ કાઉન્સિલિંગ કર્યું હતું.
પરિવારમાં બે જોડિયા દીકરીઓ છે, જે એક જ ધોરણમાં અભ્યાસ કરે છે. પાંચ વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું હતું, ત્યારબાદ ઘરનું ગુજરાન દાદાના પેન્શન પર ચાલતું હતું. બે મહિના પહેલાં દાદાનું પણ અવસાન થતાં ઘરની જવાબદારી દાદીના અડધા પેન્શન પર આવી ગઈ હતી.
શાળામાં છોકરાઓના અવાજના કારણે ક્લાસરૂમનું વિભાજન (સેક્શન ડિવાઇડ) થયું હતું. જૂના મિત્રો બીજા સેક્શનમાં જતા રહ્યા અને નવા ક્લાસમાં બધા અજાણ્યા હતા. જોકે તેની જોડિયા બહેન સાથે જ હતી, તો પણ મિત્રોથી અચાનક અલગ થવાનો આઘાત અને દાદાની વિદાયનું તાણ તેણે સહન કર્યું હતું. તેણે શાળાએ જવાનું બંધ કરી દીધું અને પોતાની જાતને સ્માર્ટફોનમાં કેદ કરી લીધી હતી.
અભયમની કાઉન્સિલરે સગીરાને જીવનમાં થયેલા બદલાવને સ્વીકારવા, નવા મિત્રો બનાવવાની કળા અને માતાની આર્થિક-માનસિક સ્થિતિ સમજાવી હતી. મોબાઈલના અતિરેકથી થતા નુકસાન અંગે પણ માહિતગાર કર્યું હતું. લાંબા કાઉન્સિલિંગ બાદ સગીરાએ આવતીકાલથી નિયમિત શાળાએ જવાની ખાતરી આપી હતી અને મોબાઈલનો ઉપયોગ ઘટાડી પરિવાર સાથે સમય વિતાવવાનું વચન આપ્યું હતું. બે મહિના પછી દીકરીના ચહેરા પર ફરી ખુશી જોઈ માતાની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમણે 181 ટીમનો આભાર માન્યો હતો.
મનોચિકિત્સકોના મતે, જ્યારે બાળક પહેલેથી જ પરિવારમાં કોઈ મોટો આઘાત સહન કરી રહ્યું હોય, ત્યારે તેના માટે શાળાના મિત્રો એક મોટો સામાજિક ટેકો હોય છે. અચાનક મિત્રોથી અલગ થતાં બાળક 'સોશિયલ વિથડ્રોઅલ' સિન્ડ્રોમમાં સરી પડે છે અને ડિપ્રેશનથી બચવા માટે મોબાઈલને સહારો બનાવી લે છે.