સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા 14 યુવકો સાથે ચેટિંગ કરતી પકડાઈ, અભયમે કાઉન્સેલિંગ કર્યું

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા 14 યુવકો સાથે ચેટિંગ કરતી પકડાઈ, અભયમે કાઉન્સેલિંગ કર્યું

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 15 વર્ષીય સગીરાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે 14 અજાણ્યા યુવકો સાથે ચેટિંગ કરવા ઉપરાંત પોતાના અંગત ફોટા પણ શેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સગીરાના પિતાએ મોબાઈલ ચેક કરતાં આ વાત ઉજાગર થઈ હતી. જોકે, પિતાએ પૂછપરછ કરતાં સગીરાએ આપઘાતની ધમકી આપી હતી. બાદમાં અભયમ હેલ્પલાઈન ટીમે કાઉન્સેલિંગ કરીને મામલો શાંત કરાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સગીરાના માતા-પિતા બંને નોકરી કરે છે, જેથી ઘરમાં તેમની ગેરહાજરી રહે છે. આ કારણે સગીરા એકલતા અનુભવતી હતી અને મોબાઈલમાં વધુ સમય પસાર કરતી હતી. પિતાએ રાત્રે તેનો મોબાઈલ તપાસતા જાણવા મળ્યું કે તે 14 યુવકો સાથે ચેટિંગ કરી રહી છે અને તેમને પોતાના ફોટા મોકલી રહી છે. આ જોઈને પિતા ચોંકી ગયા હતા અને તેમણે દીકરીને આ અંગે પૂછ્યું હતું. ત્યારે સગીરાએ ગુસ્સે થઈને કહ્યું કે, "મારી લાઈફ હું મારી જાતે જીવીશ, મને કોઈએ કંઈ કહેવાનું નહીં" અને આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. આથી ગભરાયેલી માતાએ તરત જ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.

અભયમની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સગીરા અને તેના માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ રડતાં રડતાં કહ્યું કે, "માતા-પિતા બંને નોકરી કરે છે, જેથી ઘરમાં કોઈ હોતું નથી. મને ઘરમાંથી પ્રેમ અને હૂંફ મળતા નથી, જેથી હું બહારના લોકો સાથે પ્રેમ શોધી રહી છું." ટીમે સગીરાને સોશિયલ મીડિયાના જોખમો, અજાણ્યા લોકો સાથે અંગત માહિતી શેર કરવાના ગંભીર પરિણામો અને અભ્યાસના મહત્વ વિશે સમજાવ્યું હતું. સાથે જ માતા-પિતાને પણ દીકરી પ્રત્યે ગુસ્સો ન કરતાં તેને પૂરતો સમય અને ભાવનાત્મક સપોર્ટ આપવાની સલાહ આપી હતી. આખરે બંને પક્ષે સમાધાન થયું હતું.

કાઉન્સેલરના જણાવ્યા અનુસાર, જે પરિવારોમાં માતા-પિતા બંને નોકરી કરતા હોય ત્યાં બાળકો સાથે સંવાદનો અભાવ સર્જાય છે. આથી બાળકો ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન અને પ્રેમ શોધવા લાગે છે. આ ઘટનામાં પણ સગીરા આ જ કારણે યુવકોના સંપર્કમાં આવી હતી અને અંગત ફોટા શેર કરતી હતી, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. વાલીઓએ બાળકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ અને તેમની લાગણીઓને સમજવી જોઈએ.