સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના શિક્ષિકા સોનલબેન રાવલને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સ્લમ વિસ્તારની શાળાને બનાવી સ્માર્ટ સ્કૂલ

અમદાવાદના શિક્ષિકા સોનલબેન રાવલને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સ્લમ વિસ્તારની શાળાને બનાવી સ્માર્ટ સ્કૂલ

અમદાવાદ, ૫ સપ્ટેમ્બર: શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં. ૩ ના મદદનીશ શિક્ષક સોનલબેન પ્રફુલભાઈ રાવલને 'ગુજરાત રાજ્યકક્ષા પ્રાથમિક શિક્ષક વિભાગ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૬' થી સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૬ વર્ષની તેમની શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે અનેક નવતર પ્રયોગો કરીને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે.

સોનલબેને ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ દસ્ક્રોઈ તાલુકાની ખોડિયાર પ્રાથમિક શાળામાંથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ઓગણજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર તરીકે પણ સેવા આપી. નિર્ણયનગર અને થલતેજ શાળા નં. ૧ માં ફરજ બજાવ્યા બાદ હાલમાં તેઓ ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં. ૩ માં ફરજ બજાવે છે.

ઘાટલોડિયાની આ શાળામાં મોટાભાગે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના બાળકો ભણે છે. 'પ્રત્યેક બાળક મહત્વનું છે' ના ભાવ સાથે સોનલબેને અથાક મહેનત કરી શાળાનું શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણ બદલી નાખ્યું છે. તેમના પ્રયાસોથી આજે આ શાળા શૈક્ષણિક દૃષ્ટિએ એક ઉત્કૃષ્ટ 'સ્માર્ટ સ્કૂલ' તરીકે ઉભરી આવી છે.

સોનલબેન માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે પ્રત્યક્ષ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર ભાર મૂકે છે. તેઓ વિદ્યાર્થીઓને રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બેંક, શાકમાર્કેટ, ફાયર સ્ટેશન જેવી જગ્યાઓની રૂબરૂ મુલાકાત કરાવે છે, જેથી બાળકો વ્યવહારુ જીવનકૌશલ્ય શીખી શકે. આ ઉપરાંત, તેઓ પ્લમ્બર, માળી જેવા કારીગરો સાથે સીધો સંવાદ ગોઠવીને બાળકોને વિવિધ વ્યવસાયોની સમજ આપે છે.

વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા માટે તેઓ ISRO અને વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરની શૈક્ષણિક મુલાકાતો યોજે છે. તેમણે સ્વહસ્તે ૧૦૦ થી વધુ શૈક્ષણિક સાધનો બનાવ્યા છે. શાળામાં ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો માટે સરસ્વતી પૂજન અને શ્લોક પઠન જેવી પ્રવૃત્તિઓ થાય છે.

તેમણે સરકારી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને શૂન્ય સુધી લાવવામાં અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં સફળતા મેળવી છે. ગેરહાજરી ઘટાડવા માટે તેઓ વાલી બેઠકો યોજે છે અને ૧૦૦% હાજરી ધરાવતા બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરે છે.

એક અનોખી પહેલ કરતા વિદ્યાર્થીઓના જન્મદિવસ પર તેઓ ચોકલેટ કે મીઠાઈને બદલે ટૂથબ્રશ અને ઊલિયું ધરાવતી સ્વચ્છતા કિટ આપે છે. શાળા કેમ્પસમાં પક્ષીઓ માટે કૂંડા અને કીચન ગાર્ડન બનાવીને તેમણે જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમના આ યોગદાન બદલ તેમને અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. આ વર્ષનો રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમના સમર્પણ અને નવતર અભિગમની કદર છે.