સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: શેઠ સી.એન. વિદ્યાલયમાં શિક્ષકે ધોરણ 9ના વિદ્યાર્થીને માર્યા લાફા, DEOએ ખુલાસો માંગ્યો

અમદાવાદ: શેઠ સી.એન. વિદ્યાલયમાં શિક્ષકે ધોરણ 9ના વિદ્યાર્થીને માર્યા લાફા, DEOએ ખુલાસો માંગ્યો

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં એક શિક્ષકે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં જ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ગત 14 ઓક્ટોબરના રોજ બપોરના સમયે આ ઘટના બની હતી. હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવતા ઘનશ્યામસિંહ ડાભી નામના શિક્ષકે વિદ્યાર્થીને છેલ્લી બેન્ચ પરથી આગળની બેન્ચ પર બેસાડ્યો હતો અને ત્યારબાદ તેને સતત લાફા માર્યા હતા. બાદમાં વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર પણ કાઢી મૂકવામાં આવ્યો હતો.

બધા વિદ્યાર્થીઓની સામે ચાલુ વર્ગખંડમાં આ ઘટના બનતાં આખો વર્ગખંડ સ્તબ્ધ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાર્થી મસ્તી કરતો હોવાથી તેને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે આ ઉપરાંત બીજું કોઈ કારણ હતું કે કેમ, તે અંગે શિક્ષણ નિરીક્ષક તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે.

શિક્ષકના મારને કારણે વિદ્યાર્થી ખૂબ ડરી ગયો છે. સરકારના નિયમો અનુસાર શાળામાં બાળકોને કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ આપવો કાયદાકીય રીતે ગુનો છે. આથી વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરિયાદ કરી છે અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું કે વાલીએ આ ઘટનાની જાણ કરી હતી. આથી સમગ્ર બનાવ અંગે સ્કૂલને નોટિસ ફટકારીને આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને કયા કારણથી માર્યો તે અંગે પણ વિગત માંગવામાં આવી છે. શિક્ષણ નિરીક્ષકને ઘટનાની હકીકત જાણવા અને સ્થળ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાના ખુલાસા અને શિક્ષણ નિરીક્ષકની તપાસ બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.