અમદાવાદ શહેરમાં ખાનગી પ્લોટ પર ચાલતી ફૂડ કોર્ટ, ખાણીપીણીની દુકાનો અને લારીઓ જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી ટેક્સ વસૂલવા માટે કોર્પોરેશને પગલાં લેવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશનના રેવન્યુ કમિટી ચેરમેન મુકેશ પટેલે ટેક્સ વિભાગને નિર્દેશ આપ્યો છે કે, એક મહિનામાં આવા તમામ પ્લોટનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે.
હાલમાં શહેરના કેટલા ખાનગી પ્લોટ પર આ રીતે ધંધો ચાલી રહ્યો છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. પરંતુ પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ ફૂડ કોર્ટ હોવાનું માનવામાં આવે છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં તેની સંખ્યા ઓછી છે. હાલમાં મોટી ફૂડ કોર્ટમાંથી વ્યાવસાયિક કર વસૂલવામાં આવે છે, પરંતુ ઘણી નાની દુકાનો અને લારીઓ ટેક્સની આકારણીમાં છૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
સર્વે બાદ આવી તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિઓને નિયમ મુજબ ટેક્સના દાયરામાં લાવવામાં આવશે, જેથી કોર્પોરેશનની મિલકત વેરાની આવકમાં વધારો થઈ શકે છે. આ સાથે, કોર્પોરેશન આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ બિલ વિતરણનું કામ પણ પૂરજોશમાં ચલાવી રહ્યું છે. 8 સપ્ટેમ્બર 2026 સુધીમાં કુલ 26,51,178 બિલ પૈકી 23,73,243 બિલનું વિતરણ થઈ શક્યું છે, જે 89.52% છે. હજુ પણ 2,77,935 બિલ વિતરણ થવાના બાકી છે.
ઝોન મુજબ જોઈએ તો નોર્થ વેસ્ટ ઝોનમાં 98.30% બિલ વિતરણ સાથે સૌથી આગળ છે, જ્યારે પૂર્વ ઝોનમાં માત્ર 76.34% જ વિતરણ થયું છે. પૂર્વ ઝોનમાં કુલ 5,00,530 બિલ પૈકી 1,18,406 બિલ હજુ બાકી છે. આ ઉપરાંત, જે મિલકતધારકોને સમયસર બિલ નહીં મળે તેમના માટે કોર્પોરેશને રાહત આપવાની જાહેરાત કરી છે કે, મોડેથી બિલ મળવાના કિસ્સામાં એક મહિના સુધી વ્યાજ વસૂલવામાં આવશે નહીં.