અમદાવાદની SVP હોસ્પિટલમાં સફાઈ અને મેન્ટેનન્સ સહિતની સમસ્યાઓ માટે લોકો સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે ઓનલાઇન QR કોડ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. હોસ્પિટલ કમિટીના ચેરમેન ડો. ચાંદની પટેલે જણાવ્યું કે, હોસ્પિટલમાં રાઉન્ડ દરમિયાન કેટલીક જગ્યાએ ગંદકી અને અન્ય પ્રશ્નો જોવા મળ્યા હતા. સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવા અને નોટિસ આપવા માટે સૂચના આપવામાં આવી છે.
ડો. ચાંદની પટેલે વધુમાં જણાવ્યું કે, નાના-મોટા મેન્ટેનન્સના કામો અટકતા હોય છે, ત્યારે ફરિયાદ નોંધાવવા માટે QR કોડ સિસ્ટમ શરૂ કરવાનું સૂચન કરાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે ઓનલાઇન ફરિયાદ થાય છે, તેમ QR કોડ મારફતે પણ ફરિયાદ થઈ શકે તે મુજબની વ્યવસ્થા ગોઠવાશે.
આ ઉપરાંત, મણિનગરની એલજી હોસ્પિટલમાં નવો પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે, જે 16 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ (અસારવા) કે અન્ય દૂરની હોસ્પિટલોમાં જવું પડતું હતું, પરંતુ હવે પૂર્વ વિસ્તારમાં મણિનગર એલજી હોસ્પિટલ ખાતે પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થઈ શકશે. અત્યાધુનિક સુવિધાઓ સાથેનો આ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત થયો છે.
અત્યાર સુધી શબઘરમાં માત્ર છ કોલ્ડ સ્ટોરેજ હતા, પરંતુ હવે 18 જેટલા કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આનાથી મૃતદેહને યોગ્ય તાપમાને સુરક્ષિત રીતે સાચવી શકાશે. હોસ્પિટલમાં જ ફોરેન્સિક નિષ્ણાતો અને જરૂરી સાધનો ઉપલબ્ધ હોવાથી કાયદાકીય તેમજ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે.
નવા પોસ્ટમોર્ટમ રૂમના કારણે અકસ્માત કે આકસ્મિક મૃત્યુના કેસોમાં મૃતદેહને દૂર લઈ જવાની સમસ્યા નિવારાશે. દુઃખની ઘડીમાં પરિજનોને લાંબા અંતરની દોડધામમાંથી મુક્તિ મળશે અને મૃતદેહ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. ઉપરાંત, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી તેમજ તબીબી કાયદાકીય જ્ઞાન સમજવામાં પણ આ સુવિધા મદદરૂપ થશે.