સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની SVP હોસ્પિટલમાં કૌભાંડ: PMJAYના 40 લાખના મોંઘા સર્જિકલ સાધનો ખાનગી લેબોરેટરીમાં વેચાયા

અમદાવાદની SVP હોસ્પિટલમાં કૌભાંડ: PMJAYના 40 લાખના મોંઘા સર્જિકલ સાધનો ખાનગી લેબોરેટરીમાં વેચાયા

અમદાવાદની SVP હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવેલા મોંઘા સર્જિકલ સાધનોના દુરુપયોગનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અંદાજે 39.78 લાખ રૂપિયાની કિંમતના સાધનોનો બારોબાર વહીવટ થયો હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલના ડીન ડૉક્ટર ચેરી શાહે એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આ ગેરરીતિનો પ્રાથમિક રિપોર્ટ મળ્યો હોવાનું સ્વીકાર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ ઘટના મે મહિનામાં બની હતી અને સમગ્ર મામલે 7થી 8 રેસિડેન્ટ તબીબો શંકાના દાયરામાં છે.

આ કેસમાં થર્ડ યરના રેસિડેન્ટ ડૉક્ટર નિખિલ ભુવાની મુખ્ય ભૂમિકા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તબીબોને આપવામાં આવેલા ઓળખપત્ર (ID)નો દુરુપયોગ કરીને આ સાધનો મેળવવામાં આવ્યા હોવાની પણ આશંકા છે. ડૉક્ટર ભુવા પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો, જે તેમણે મોકલી આપ્યો છે.

હોસ્પિટલ પ્રશાસન હવે આ મામલે ડીવાયએમસી (DYMC) અને મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ડીનનું કહેવું છે કે જો તપાસમાં ખોટું ઠરશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.