અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીથી પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ધમકી બાદ અમદાવાદની ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં તાત્કાલિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ધમકીની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમે સમગ્ર પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી.
ધમકીભર્યા ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ ઈમેલ બાદ સુરતમાં પણ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સુરતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. કોર્ટમાં હાજર તમામ વકીલો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર કોર્ટ પરિસરમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો મિનિટોમાં નિર્ધારિત સ્થળોએ પહોંચી ગયો હતો. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમોએ તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ, પાર્કિંગ એરિયા, રેકોર્ડ રૂમ અને જજોની ચેમ્બર્સનું બારીકાઈથી ચેકિંગ શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓ અને ઈમરજન્સી મેડિકલ સ્ટાફને કોઈપણ કટોકટીનો સામનો કરવા કોર્ટની બહાર તૈનાત કરવામાં આવ્યા હતા.
ધમકી મળતાં અદાલતી કાર્યવાહી અટકાવી દેવાતાં થોડા સમય માટે પરિસરની બહાર ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર વિસ્તારને પોલીસે બેરિકેડિંગ કરી કોર્ડન કરી લીધો હતો અને સામાન્ય નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
ઈમેલ ક્યાંથી, કયા આઈપી એડ્રેસ પરથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમ યુનિટે સમાંતર તપાસ તેજ કરી છે. સુરક્ષા એજન્સીઓ હાલ કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર દરેક ખૂણે ખૂણો ચકાસી રહી છે.
ધમકીભર્યો ઈમેલ સાચો છે કે માત્ર અફવા ફેલાવવાના ઈરાદે મોકલવામાં આવ્યો છે, તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે આ પહેલા પણ અમદાવાદની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.