અમદાવાદ અને સુરતની અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. આ ઘટના બાદ પોલી� તંત્રમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટ સહિતની કોર્ટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઈમેલમાં અમદાવાદ અને સુરતની કોર્ટોમાં આરડીએક્સ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈમેલની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કોર્ટ પરિસર ખાલી કરાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરતમાં પણ પોલીસ તંત્ર એલર્ટ થયું છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વકીલો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે અને ધમકી આપનાર વ્યક્તિ અથવા સંસ્થા વિશે તપાસ કરવામાં આવી રહી છે.