અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પાંચ વખત નિષ્ફળ ગયા બાદ હવે છઠ્ઠો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયામાં ટેન્ડરનો અંદાજિત ખર્ચ શરૂઆતના 190.70 કરોડ રૂપિયાથી વધીને હવે 398.41 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે શરૂઆતના અંદાજ કરતાં 207.71 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
શહેરમાં સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદોનો આંકડો પણ 1.21 લાખ સુધી પહોંચ્યો છે. 15 ઓક્ટોબર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે આ ફરિયાદો નોંધાઈ છે. આ વિલંબને કારણે ચાર અધિકારીઓને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી છે.
સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણી માટે અગાઉ સિટાલૂમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025માં કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ કંપનીએ કામગીરી ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી કાયમી કોન્ટ્રાક્ટ ફાળવવા માટે વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં, પરંતુ પાંચ પ્રયાસ છતાં પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી શકી નથી. દરમિયાન સબ કોન્ટ્રાક્ટરો મારફતે કામચલાઉ વ્યવસ્થા ચલાવવામાં આવી હતી.
પ્રથમ ત્રણ પ્રયાસમાં ટેન્ડરનો અંદાજિત ખર્ચ 190.70 કરોડ રૂપિયા હતો. પ્રથમ પ્રયાસમાં માત્ર એક જ ટેન્ડર મળ્યું હતું. બીજા પ્રયાસમાં મુંબઈની ઇ-સ્માર્ટ એનર્જી અને કોયમ્બતુરની સ્નેલ એનર્જી ઇક્વિપમેન્ટ્સ પ્રા. લિ.એ બિડ કરી હતી. સ્ટ્રીટ લાઇટ વિભાગે સ્નેલ એનર્જીને ટેકનિકલ કારણોસર ગેરલાયક ઠેરવતાં ફરી એક જ કંપનીની બિડ બાકી રહી હતી. આથી મ્યુનિસિપલ કમિશનરે ફરી ટેન્ડર બહાર પાડવાની સૂચના આપી હતી.
ત્રીજા પ્રયાસમાં બંને કંપનીઓએ ફરી બિડ કરી હતી, પરંતુ ટેકનિકલ લાયકાત અંગેના નિર્ણયમાં ફેરફાર થયો હતો. અગાઉ લાયક ઠરેલી ઇ-સ્માર્ટ એનર્જીને આ વખતે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જ્યારે અગાઉ ગેરલાયક ઠરેલી સ્નેલ એનર્જીને લાયક ગણવામાં આવી હતી. આ નિર્ણય સામે ઇ-સ્માર્ટ એનર્જીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. કંપનીએ સ્નેલ એનર્જીએ પોતાના અનુભવ અંગે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેના સમર્થનમાં પુરાવા આપ્યા હતા.
પ્રથમ ત્રણ પ્રયાસમાં સફળતા ન મળતાં ચોથા અને પાંચમા પ્રયાસમાં ટેન્ડરની રચના તથા કામગીરીનો વ્યાપ બદલવામાં આવ્યો હતો. પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ એમ બે ભાગમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. સ્ટ્રીટ લાઇટના ઓપરેશન અને મેન્ટેનન્સ ઉપરાંત નવા પોલ લગાવવા, SITC એટલે કે સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ તથા CCMS સ્માર્ટ પેનલ અને કંટ્રોલર સંબંધિત કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફેરફારો બાદ ટેન્ડરનો અંદાજિત ખર્ચ આશરે 663.37 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જોકે, આટલા મોટા અંદાજ છતાં બંને પ્રયાસમાં કોન્ટ્રાક્ટ ફાળવવામાં સફળતા મળી નહોતી.
હવે SITC સંબંધિત કામગીરી અલગ કરીને નવું ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 398.41 કરોડ રૂપિયા છે. આમ છઠ્ઠા પ્રયાસમાં પણ ખર્ચ શરૂઆતના અંદાજ કરતાં ઘણો વધારે રહેવાનો છે.