અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણી માટે આશરે રૂ. 400 કરોડનું સિંગલ ટેન્ડર કરવાના નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્ય સહિતના હોદ્દેદારોએ સાત ઝોનમાં અલગ-અલગ ટેન્ડર કરવાની સૂચના આપી હોવા છતાં અધિકારીઓએ કેન્દ્રીયકૃત (સેન્ટ્રલાઇઝ્ડ) ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનો આક્ષેપ થયો છે.
આ મામલે હવે સત્તાધીશોએ આકરું વલણ અપનાવ્યું છે. શુક્રવારે (23 ઓક્ટોબર) મળેલી ઈ-ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મટીરિયલ પ્રોગ્રામ કમિટીની બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, ભવિષ્યમાં કોઈ પણ ટેન્ડર બહાર પાડતાં પહેલાં તેની વિગતો સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે અને ચર્ચા કર્યા બાદ જ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે.
કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, 'સ્ટ્રીટ લાઇટનું ટેન્ડર ઝોન મુજબ કરવાની સૂચના હોવા છતાં આખા અમદાવાદનું સેન્ટ્રલાઇઝ્ડ ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ બાબતની જાણકારી તેમને મીડિયા મારફતે મળી હતી. કેટલીક વખત કામની દરખાસ્તો પૂરતો અભ્યાસ બાકી હોવાને કારણે કમિટીમાંથી પરત મોકલવી પડે છે. જો ટેન્ડર બહાર પાડતાં પહેલાં જ તેની વિગતો કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે તો આવી સ્થિતિ ટાળી શકાય.'
એક હોદ્દેદારે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, કમિશનરની સંકલન બેઠકમાં પણ ઝોનવાઇઝ ટેન્ડર કરવાની સૂચના એક-બે નહીં, પરંતુ ચાર વખત આપવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓએ સૂચનાને અવગણીને એક જ ટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ મામલે યોગ્ય ફોરમમાં ફરિયાદ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એક ધારાસભ્યએ આ મુદ્દે રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. પત્રની નકલ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મોકલવામાં આવી હતી.
અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પાંચ વખત નિષ્ફળ ગયા બાદ હવે છઠ્ઠા પ્રયાસની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ટેન્ડરના અંદાજિત ખર્ચમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શરૂઆતના ત્રણ ટેન્ડરનો અંદાજિત ખર્ચ રૂ. 190.70 કરોડ હતો, જે ચોથા અને પાંચમા પ્રયાસમાં કામગીરીનો વ્યાપ વધારાતાં આશરે રૂ. 663.37 કરોડ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો. હવે SITC સંબંધિત કામગીરી અલગ કરીને નવું ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 398.41 કરોડ રૂપિયા છે. એટલે કે, શરૂઆતના અંદાજની સરખામણીમાં છઠ્ઠા પ્રયાસમાં પણ ટેન્ડરનો ખર્ચ રૂ. 207.71 કરોડ વધારે છે.