સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સોલા એસટીપી પ્લાન્ટમાં ઝેરી ગેસથી બે શ્રમિકોનાં મોત, બચાવવા જતાં ચાર લોકો ટાંકામાં ફસાયા

અમદાવાદના સોલા એસટીપી પ્લાન્ટમાં ઝેરી ગેસથી બે શ્રમિકોનાં મોત, બચાવવા જતાં ચાર લોકો ટાંકામાં ફસાયા

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)માં ઝેરી ગેસની ગૂંગળામણથી બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં એચએનબી એજન્સી દ્વારા રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત થયો.

જાણવા મુજબ, વેલ્ડિંગ કરતા એક કામદાર ટાંકામાં પડી ગયા બાદ તેને બચાવવા માટે સાઇટ ઇન્ચાર્જ, પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર પણ એક પછી એક ટાંકામાં ઉતર્યા હતા. પરંતુ ઝેરી વાયુની અસરથી ચારેય લોકો બેભાન થઈને ટાંકામાં ફસાઈ ગયા હતા. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે ગંભીર હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ સહિતનો કાફલો તાત્કાલિક સોલા એસટીપી પ્લાન્ટ ખાતે પહોંચી ગયો હતો. ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે ફાયર જવાનોએ દોરડાં અને ખાસ રેસ્ક્યૂ સાધનોની મદદથી ટાંકામાં ઉતરીને ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તેમાંથી બે આંશિક ભાનમાં હતા, જ્યારે બે સંપૂર્ણ બેભાન અને ગંભીર સ્થિતિમાં હતા. ફાયર સ્ટાફે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભૂકણે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ કમનસીબ અકસ્માતમાં વેલ્ડિંગનું કામ કરનાર અભિષેક અને તેને બચાવવા માટે ટાંકામાં ઉતરેલા અન્ય એક સાથીદારનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ કોઈપણ પ્રકારના સેફ્ટી ગિયર્સ કે ગેસ માસ્ક વિના કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને એજન્સી કે કોન્ટ્રાક્ટરની સુરક્ષા નિયમોમાં બેદરકારી જણાશે તો કાયદેસરની ફોજદારી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ તાત્કાલિક ગાંધીનગરથી સોલા પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, આટલી મોટી દુર્ઘટના અને બે શ્રમિકોના મોત છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મેયર ઘટનાસ્થળે પહોંચી ગયા હોવા છતાં સિટી એન્જિનિયર કે એડિશનલ સિટી એન્જિનિયર કક્ષાના કોઈ અધિકારી સમયસર હાજર થયા નહોતા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ મોડે સુધી ફરક્યા નહોતા. કોર્પોરેશનના અધિકારીઓની આવી સંવેદનહીનતા સામે લોકોમાં ભારે રોષ છે.