અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ઓગણજથી ભાડજ જતા માર્ગ પર વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. નશામાં ધૂત એક કાર ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારતાં કારમાં પાછળ બેઠેલા 42 વર્ષીય અશોકભાઈ ઢાકરેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી પ્રેમ દિલીપભાઈ ભદોરિયા અને તેમના મિત્રો એકઠા થયા હતા અને સૌએ બિયર પીધી હતી. કાર ચાલક ભગીરથસિંહ ઝાલા મૂળ ગોધાવીના રહેવાસી છે. બિયર પીધા બાદ તમામ મિત્રો અર્ટિગા કાર (GJ 1 MT 0928)માં બાપુનગરથી ગોધાવી જવા રવાના થયા હતા.
વહેલી સવારે આશરે 3:45 વાગ્યે કાર ગોકુલ હોટેલ કટ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે ભગીરથસિંહ ઝાલા પૂરઝડપે અને અત્યંત ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યા હતા. કટ પર વળાંક લેતી વખતે તેમણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર સીધી આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ અશોકભાઈ ઢાકરેને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળની કાયદેસરની કાર્યવાહી અને સિવિલ હોસ્પિટલ ખાતે આગળની તપાસ ચાલુ છે.