સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ચાંદખેડામાં પુત્રએ નિવૃત્ત ASI પિતાના માથામાં બ્લોક ઝીંક્યો, પોલીસની સામે થયો હુમલો

અમદાવાદના ચાંદખેડામાં પુત્રએ નિવૃત્ત ASI પિતાના માથામાં બ્લોક ઝીંક્યો, પોલીસની સામે થયો હુમલો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વ્રજ ટેનામેન્ટમાં પારિવારિક ઝઘડા દરમિયાન એક પુત્રએ તેના નિવૃત્ત ASI પિતા પર સ્ટંપ અને બ્લોક વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલો પોલીસની હાજરીમાં જ થયો હતો, જેમાં પિતા ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ ઇજા પહોંચી છે.

પોલીસ સૂત્રો મુજબ, ગણપત પરમાર નામના આ વ્યક્તિ 2020માં અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ASI તરીકે નિવૃત્ત થયા છે. તેમના પુત્ર કૌશલ પરમાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ઘટનાના દિવસે ગણપત પરમાર કોઈ કામસર બહાર ગયા હતા, ત્યારે કૌશલે તેમને ફોન પર ગાળો આપી હતી. ગણપત ઘરે પાછા ફર્યા ત્યારે ઉશ્કેરાયેલા કૌશલે તેમના પર સ્ટંપથી હુમલો કર્યો. બચવા માટે ગણપત ઘરની બહાર ભાગ્યા, પરંતુ કૌશલનો ગુસ્સો શાંત ન થયો અને તેણે તેમની માતા તથા બે બહેનોને પણ માર માર્યો.

ઘરમાં થયેલી બૂમાબૂમ સાંભળીને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને કૌશલ વધુ ઉશ્કેરાયો અને તેણે પોલીસની નજર સામે જ એક બ્લોક ઉપાડીને પિતાના માથામાં ઝીંકી દીધો, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ગણપત પરમારના માથામાં ગંભીર ઇજા થઈ છે.

ચાંદખેડા પોલીસે આ સંબંધમાં કૌશલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ હાલમાં ઘટનાના વધુ પાસાઓની તપાસ કરી રહી છે.