સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: સોલા સિવિલ ચાર રસ્તે કેપ્સુલ ડિઝાઇન લાગુ, વાહનચાલકોએ 150 મીટર આગળથી યુ-ટર્ન લેવો પડશે

અમદાવાદ: સોલા સિવિલ ચાર રસ્તે કેપ્સુલ ડિઝાઇન લાગુ, વાહનચાલકોએ 150 મીટર આગળથી યુ-ટર્ન લેવો પડશે

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા 'કેપ્સુલ ડિઝાઇન' અમલમાં મૂકવામાં આવી છે. હવે સોલા સિવિલ હોસ્પિટલ પાસેના ચાર રસ્તા પર પણ આ ડિઝાઇન લાગુ કરવામાં આવી છે. આ ચાર રસ્તો બંધ કરાતાં વાહનચાલકોએ 150 મીટર આગળથી યુ-ટર્ન લેવો પડશે.

એસજી હાઈવે પર ત્રણ કિલોમીટરના અંતરમાં ત્રણ મુખ્ય જંકશન બંધ કરવામાં આવ્યા છે. પેલેડિયમ મોલ અને કારગીલ પેટ્રોલ પંપ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તાને બેરિકેડ મૂકીને બંધ કરાયો છે. બંને બાજુ 150 મીટરના અંતરે કેપ્સુલ કટ આપવામાં આવ્યા છે, જ્યાંથી વાહનચાલકોએ યુ-ટર્ન લેવો પડશે.

આ જ રોડ પર આશરે 650 મીટર દૂર આવેલ કારગીલ પેટ્રોલ પંપ ચાર રસ્તો પણ બંધ કરાયો છે. પરિણામે એક કિલોમીટરના અંતરમાં યુ-ટર્ન માટે બે-ત્રણ કેપ્સુલ કટ આવી ગયા છે. આથી વાહનચાલકોમાં ટ્રાફિક વધશે કે ઘટશે તે અંગે ચિંતા અને ચર્ચા જોવા મળે છે. ખાસ કરીને નાના કેપ્સુલ કટના કારણે ભારે વાહનોને રસ્તો ઓળંગવામાં મુશ્કેલી પડે છે.

હાલ શહેરમાં 20થી વધુ જંકશન પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. અગાઉ ત્રણ મહિના પ્રાયોગિક ધોરણે બેરિકેડ મૂક્યા બાદ ડિવાઈડર બનાવવામાં આવે છે. જોકે, મકરબા બ્રિજ પાસે કેપ્સુલ ડિઝાઇન નિષ્ફળ જતાં તંત્રને પોતાનો નિર્ણય બદલીને ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાવવા પડ્યા હતા.

નવા વિસ્તારોમાં બીઆરટીએસ કોરિડોરના કારણે હાલ કેપ્સુલ ડિઝાઇનની અમલવારી અટકાવી દેવામાં આવી છે. જનમાર્ગના કારણે પૂર્વ અમદાવાદમાં ત્રણ સ્થળોએ તેની અમલવારી પર રોક લગાવાઈ છે.