સત્ય. સાહસ. સંકલ્પ.

સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગ: 198 વાહનોની જરૂર સામે માત્ર 24 વાહનો કાર્યરત

સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગ: 198 વાહનોની જરૂર સામે માત્ર 24 વાહનો કાર્યરત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી સોસાયટીઓમાં આવેલાં વૃક્ષોના ટ્રીમિંગ માટે નવી નીતિ અમલમાં મૂકી છે. જોકે, આ કામ માટે જરૂરી વાહનોની સંખ્યા પૂરતી ન હોવાથી કામગીરી પર સવાલ ઊભા થયા છે.

શહેરમાં ટ્રીમિંગ માટે કુલ 28 વાહનો ઉપલબ્ધ છે, જેમાંથી હાલ માત્ર 24 વાહનો કાર્યરત છે. બીજી બાજુ, વધેલા કામના વ્યાપને ધ્યાનમાં લેતાં શહેરમાં અંદાજે 198 વાહનોની જરૂર હોવાનું સામે આવ્યું છે. એટલે કે હાલ કાર્યરત વાહનો કરતાં લગભગ 174 વાહનોની ઘટ છે.

અત્યાર સુધી શહેરના જાહેર વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ કાપવાનું કામ કરવામાં આવતું હતું. હવે ખાનગી મિલકતો અને સોસાયટીઓમાં આવેલાં વૃક્ષોને પણ ટ્રીમિંગની યોજનામાં સામેલ કરવામાં આવ્યાં છે. તેના કારણે તંત્રની જવાબદારી વધી છે, જ્યારે ઉપલબ્ધ વાહનોની સંખ્યા અને વધેલી જવાબદારી વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વાહનોની અછતનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ સ્થિતિમાં ખાનગી સોસાયટીઓમાં ટ્રીમિંગની નીતિ લાગુ કરતાં પહેલાં વાહનો, મેનપાવર અને અન્ય જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાનું પૂરતું મૂલ્યાંકન થયું હતું કે કેમ, તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.