સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: પ્રતિબંધ છતાં સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફીની આડેધડ વસૂલાત

અમદાવાદ: પ્રતિબંધ છતાં સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફીની આડેધડ વસૂલાત

અમદાવાદ: રાજ્ય સરકારના સ્પષ્ટ નિયમો હોવા છતાં, અમદાવાદની ઘણી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફી, ડેવલપમેન્ટ ફી અને લાઈફટાઈમ મેન્ટેનન્સ જેવા બહાના હેઠળ નવા સભ્યો પાસેથી મનસ્વી રીતે ઊંચી રકમ વસૂલવામાં આવી રહી છે. સહકારી કાયદા મુજબ, ટ્રાન્સફર ફી મિલકતના વેચાણ મૂલ્યના 0.5% અથવા રૂ. 1 લાખ (જે ઓછું હોય તે)થી વધુ વસૂલી શકાય નહીં. છતાં, જમીની સ્તરે નિયમોનો અમલ થતો નથી, જેના કારણે વિવાદો વધી રહ્યા છે.

આવો જ એક કેસ અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડીની માણેકબાગ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડનો છે, જ્યાં નવા સભ્યો પાસેથી રૂ. 20 લાખ ડેવલપમેન્ટ ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે સોસાયટીના દસ્તાવેજોની ચકાસણી અને સ્થળ તપાસ માટે રજિસ્ટ્રાર દ્વારા ઓડિટરની નિમણૂક કરવાના આદેશ પર વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે. કેસની વધુ સુનાવણી આવતા મહિને થશે.

આ કાનૂની લડત સોસાયટીના એક મકાનના જૂના માલિક, નવા ખરીદદાર અને સોસાયટી વચ્ચે રૂ. 20 લાખ ડેવલપમેન્ટ ફી પેટે ગેરકાયદેસર રીતે વસૂલવાની ખેંચતાણથી શરૂ થઈ હતી. પીડિત સભ્યોનું કહેવું છે કે જો તેઓ સોસાયટીની મોં માંગી રકમ ચૂકવે નહીં, તો તેમને સભ્ય બનાવવામાં આવતા નથી અથવા વિવિધ બહાના હેઠળ હેરાનગતિ કરી સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જિલ્લા સહકારી રજિસ્ટ્રાર અને સહકાર વિભાગના અધિકારીઓ સ્પષ્ટ કરે છે કે કાયદેસર મર્યાદાથી વધુ ફી વસૂલવાનો સોસાયટીને કોઈ અધિકાર નથી. આવા સંજોગોમાં, સત્તાવાળાઓએ આ પ્રકારની સોસાયટીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.