અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીમાં ફટાકડા ફોડવાના મુદ્દે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં સોસાયટીના ચારથી પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે અને એક સભ્યએ સ્વબચાવમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બોડકદેવ પોલીસે આ મામલે 15 લોકો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સોસાયટીમાં રહેતા જીગર પટેલે જણાવ્યું છે કે 6 નવેમ્બરે રાત્રે સોસાયટીની બહાર પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા ઉડીને સોસાયટીના સભ્યો પર આવતા જીગરભાઈએ ફટાકડા ફોડવાની ના પાડી હતી, છતાં યુવકોએ ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું.
બે દિવસ બાદ 8 નવેમ્બરે રાત્રે આ યુવકો ફરી સોસાયટીની બહાર ફટાકડા ફોડવા આવ્યા હતા. રોકેટ ઉડીને ફરી સોસાયટીના સભ્યો પર પડ્યું હતું. સભ્યોએ ફરી ના પાડતાં યુવકો ઉશ્કેરાઈ ગયા અને કહેવા લાગ્યા કે અહીં જ ફટાકડા ફોડીશું, ભલે જે થાય.
ત્યારબાદ આ યુવકોએ અન્ય લોકોને બોલાવી લીધા હતા. લગભગ 20થી 25 લોકોનું ટોળું લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે સોસાયટી સામે આવી પહોંચ્યું અને ઝઘડો કરવા લાગ્યું. ટોળાએ સોસાયટીના સભ્યો પર હુમલો કરતાં ચારથી પાંચ લોકોને ઈજા પહોંચી હતી. ટોળાએ સોસાયટીમાં ખુરશીઓ અને ઝાડના કુંડાઓમાં પણ તોડફોડ કરી હતી.
આ દરમિયાન સોસાયટીના રાકેશ પટેલ નામના વ્યક્તિએ સ્વબચાવમાં તેમની પાસે રહેલી લાઇસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં ટોળું ત્યાંથી નાસી ગયું હતું.
ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં બોડકદેવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે 15 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.