સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: બુટલેગરે SMC ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું

અમદાવાદ: બુટલેગરે SMC ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું

અમદાવાદમાં દારૂના કટિંગની બાતમીના આધારે SMCની ટીમે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતાં SMCએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે બુટલેગર ભાગી જવામાં સફળ રહ્યો હતો.

SMCની ટીમના PI મિતેશ ત્રિવેદીની ટીમને બાતમી મળી હતી કે અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ પાસે દારૂ કટીંગ થઈ રહ્યું છે. જેથી SMCની ટીમ ત્યાં પહોંચી હતી. SMCની ટીમને જોઈને બુટલેગર ત્યાંથી ભાગ્યો હતો અને SMCની ટીમે તેનો પીછો કર્યો હતો. બુટલેગર શાહીબાગ ડફનાળા થઈ એરપોર્ટ તરફ ભાગ્યો હતો.

એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ જવાના રસ્તા પર સરસ્વતી પાર્ક સોસાયટી પાસે SMCએ બુટલેગરની ગાડી રોકી હતી. આ સમયે બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં SMC દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો.

આ સમગ્ર મામલે SMC દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.