અમદાવાદના નરોડા વિસ્તારમાં દિવાળી પહેલા માટીની 'હટડી'નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સિંધી સમાજ પોતાની સાંસ્કૃતિક પરંપરા મુજબ ધનતેરસ અને દિવાળીએ ઘરમાં માટીની હટડી લાવીને પૂજા કરે છે. 'હટડી' એ વ્યાપાર અને સમૃદ્ધિનું પ્રતીક છે, જેમાં દીવો પ્રગટાવીને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.
સામાન્ય રીતે દિવાળીમાં માટીના કોડિયા અને દીવાઓનું ચલણ વધુ હોય છે, પરંતુ નરોડામાં આ દિવસોમાં માટીની હટડીની ખાસ માંગ જોવા મળી રહી છે. માત્ર અમદાવાદ જ નહીં, દેશભરમાં સિંધી સમાજ આ પરંપરાને વર્ષોથી અનુસરે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે સિંધી પરિવારો ઘરમાં હટડી લાવીને તેમાં દીવો પ્રગટાવે છે અથવા ભગવાનની મૂર્તિ મૂકીને વિધિવત પૂજા કરે છે.
સિંધી ભાષામાં 'હટ'નો અર્થ દુકાન અથવા વ્યાપારનું સ્થળ થાય છે. હટડી માટી, લાકડા અથવા સ્ટીલમાંથી બનાવેલું નાનું ઘર કે દુકાન જેવું માળખું છે, જે વ્યાપાર અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાગત હટડીઓ વાંસની લાકડીઓ અને માટીના ઉપયોગથી ખાસ રીતે બનાવવામાં આવે છે. તેના નીચેના ભાગમાં દીવો કે ફોટો મૂકવા માટે કોડિયા જેવી વ્યવસ્થા હોય છે, જેની ફરતે વાંસની લાકડીઓ ભરાવવામાં આવે છે. ઉપર માટીથી અર્ધચંદ્રાકાર આકાર આપવામાં આવે છે, જેના પર દીવો પ્રગટાવવા માટે નાની દીવી લગાવવામાં આવે છે. પછી તેને રંગબેરંગી રંગોથી સજાવીને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે.
સિંધી પરિવારમાં જેટલા પુરુષ સભ્યો હોય છે, દરેકના નામની અલગ હટડી રાખવાની પરંપરા છે. વંશ વધે કે નવા પુત્રનો જન્મ થાય તેમ હટડીની સંખ્યા વધારવામાં આવે છે. દિવાળીના દિવસે આ હટડીની મધ્યમાં માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ કે છબી સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ હટડીની અંદર દીવો પ્રગટાવીને ધૂપ-દીપ અને મીઠાઈ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે.
આ પૂજા દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી ચાલે છે. સિંધી સમાજ મુખ્યત્વે વ્યાપાર પ્રધાન હોવાથી, દિવાળીની રાત્રે લક્ષ્મીજી પાસે ધંધા-રોજગારમાં બરકત અને સુખ-શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. પૂજા પૂરી થયા પછી સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની અને "લક્ષ્મી આઈ, દાનત વાઈ" (લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ) બોલવાની પણ પરંપરા છે.
આ હટડીઓ તૈયાર કરવા માટે નરોડા વિસ્તારના શ્રમિકો છેલ્લા બે મહિનાથી રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. માટીને આકાર આપવાથી લઈને રંગવાની પ્રક્રિયા આ કારીગરો કરે છે. આ હટડીઓ મોટે ભાગે અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમકો, જૂના વાડજ, મોટેરા અને સૌરભજી કંપાઉન્ડ જેવા સિંધી વસતિ ધરાવતા વિસ્તારોમાં વેચાય છે. જોકે, બે મહિનાની કાળી મજૂરી છતાં આ હટડીઓ બજારમાં માત્ર ₹30 થી ₹40માં વેચાતી હોવાથી કારીગરોને યોગ્ય મહેનતાણું મળતું નથી, તેવી વેદના પણ સામે આવી રહી છે.