સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળીની અનોખી પરંપરા: સિંધી સમાજની 'હટડી' પૂજા, ધંધા-રોજગારમાં બરકતની પ્રાર્થના

અમદાવાદમાં દિવાળીની અનોખી પરંપરા: સિંધી સમાજની 'હટડી' પૂજા, ધંધા-રોજગારમાં બરકતની પ્રાર્થના

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં સિંધી સમાજ દ્વારા માટીની 'હટડી'ની વિશેષ પૂજા કરવામાં આવે છે. નરોડા વિસ્તારમાં કારીગરો દ્વારા બે મહિનાની મહેનતથી તૈયાર કરાયેલી હટડીઓ ₹30-40માં વેચાઈ રહી છે.

સામાન્ય રીતે દિવાળીમાં માટીના કોડિયા અને દીવાઓનું ચલણ હોય છે, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં માટીની 'હટડી'નું વિશેષ વેચાણ જોવા મળી રહ્યું છે. દેશભરનો સિંધી સમાજ દિવાળી પર માટીની હટડીથી પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, ધનતેરસ અને દિવાળીના દિવસે સિંધી સમાજના લોકો ઘરમાં માટીની હટડી લાવીને તેમાં દીવો પ્રગટાવીને ભગવાનની મૂર્તિ મૂકીને વિધિવત પૂજા-અર્ચના કરે છે.

સિંધી ભાષામાં 'હટ' એટલે દુકાન અથવા વ્યાપારનું સ્થાન. હટડી એ માટી, લાકડા અથવા સ્ટીલમાંથી બનાવેલું નાનું ઘર કે દુકાન જેવું માળખું છે, જે વ્યાપાર અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાગત હટડીઓ વાંસની લાકડીઓ અને માટીના ઉપયોગથી ખાસ રીતે બનાવવામાં આવે છે. તેના નીચેના ભાગમાં દીવો કે ફોટો મૂકવા માટે કોડિયા જેવી વ્યવસ્થા હોય છે, જેની ફરતે વાંસની લાકડીઓ ભરાવવામાં આવે છે. ઉપર માટીથી અર્ધચંદ્રાકાર આકાર આપવામાં આવે છે, જેના પર દીવો પ્રગટાવવા માટે માટીની નાની દીવી લગાવવામાં આવે છે. ત્યારબાદ તેને રંગબેરંગી રંગોથી સજાવીને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે.

સિંધી પરિવારમાં જેટલા પણ પુરુષ સભ્યો હોય તે દરેકના નામની અલગ-અલગ હટડી રાખવાની પરંપરા છે. ઘરમાં વંશ વધે કે નવા પુત્રનો જન્મ થાય તેમ હટડીની સંખ્યા વધારવામાં આવે છે. દિવાળીના દિવસે આ હટડીની મધ્યમાં માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ કે છબી સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ હટડીની અંદર દીવો પ્રગટાવીને ધૂપ-દીપ અને મીઠાઈ અર્પણ કરી પૂજા કરવામાં આવે છે.

આ પૂજા દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી ચાલે છે. સિંધી સમાજ મુખ્યત્વે વ્યાપાર પ્રધાન હોવાથી, દિવાળીની રાત્રે લક્ષ્મીજી પાસે ધંધા-રોજગારમાં બરકત અને સુખ-શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. પૂજા પૂરી થયા પછી સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની અને "લક્ષ્મી આઈ, દાનત વાઈ" (લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ) બોલવાની પણ પરંપરા છે.

આ હટડીઓ તૈયાર કરવા માટે નરોડા વિસ્તારના શ્રમિકો છેલ્લા બે મહિનાથી રાત-દિવસ મહેનત કરે છે. માટીને આકાર આપવાથી લઈને તેને રંગવાની પ્રક્રિયા આ કારીગરો દ્વારા કરવામાં આવે છે. આ હટડીઓ મોટે ભાગે અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમ્કો, જૂના વાડજ, મોટેરા અને સૌરભજી કંપાઉન્ડ જેવા સિંધી વસતિ ધરાવતા વિસ્તારોમાં વેચાય છે. જોકે, બે મહિનાની કઠોર મહેનત છતાં આ હટડીઓ માત્ર ₹30 થી ₹40 જેવી સાધારણ કિંમતે વેચાતી હોવાથી કારીગરોને યોગ્ય મહેનતાણું મળતું ન હોવાની વેદના પણ સામે આવી રહી છે.