અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ નજીક એક દુખદ અકસ્માત સર્જાયો છે. કોલેજ તરફ જઈ રહેલી 19 વર્ષની વિદ્યાર્થિની પર પાછળથી આવી રહેલી ક્રેન ચઢી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ પ્રેરણા નિનામા તરીકે થઈ છે, જે સિલ્વર ઓક કોલેજમાં બીએસસી પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી.
આ અકસ્માત આજે સવારે અંદાજે 11:53 વાગ્યાના સમયે સિલ્વર ઓક કોલેજથી લગભગ 200 મીટર દૂર બન્યો હતો. વિદ્યાર્થિની ચાલતી ચાલતી એસ.જી. હાઈવે તરફથી સિલ્વર ઓક કોલેજ તરફ જઈ રહી હતી, તે સમયે પાછળથી આવી રહેલી ક્રેને તેને ટક્કર મારી હતી. અકસ્માત ગંભીર હોવાના કારણે યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ યુવતીની માતા સ્થળ પર પહોંચી હતી. અકસ્માત બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પીઆઈ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. મોરીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ ક્રેન ચાલક ફરાર થઈ ગયો હતો, જેની પોલીસે અટકાયત કરી લીધી છે. આ ક્રેન કોની હતી અને ક્યાં જઈ રહી હતી તે અંગેની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના પારેવડી ચોક ખાતે ગયા મહિને 20 સપ્ટેમ્બરે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં 60 વર્ષના બાઇકચાલક અરૂણભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.