સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: શોપિંગ ફેસ્ટિવલની ત્રીજી સીઝન માટે AMC 46.72 લાખના ખર્ચે કન્સલ્ટન્સી ટીમ નિયુક્ત કરશે

અમદાવાદ: શોપિંગ ફેસ્ટિવલની ત્રીજી સીઝન માટે AMC 46.72 લાખના ખર્ચે કન્સલ્ટન્સી ટીમ નિયુક્ત કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત શોપિંગ ફેસ્ટિવલની સીઝન-3 યોજવાની તૈયારીમાં, અગાઉની સીઝનને અપેક્ષિત પ્રતિસાદ ન મળતાં અને ડિસ્કાઉન્ટ અંગે ફરિયાદો ઊઠી હોવા છતાં, AMC હવે ખાનગી કન્સલ્ટન્સી કંપનીની મદદ લેશે. આ માટે ચાર કન્સલ્ટન્ટની ટીમ ત્રણ મહિના સુધી કામ કરશે, જેના પર જીએસટી સહિત કુલ 46.72 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ દરખાસ્ત ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થશે.

દરખાસ્ત મુજબ, એક કન્સલ્ટન્ટનો માસિક ખર્ચ 3.30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ચાર કન્સલ્ટન્ટ માટે ત્રણ મહિનાનો કુલ ખર્ચ 39.60 લાખ રૂપિયા થાય છે. તેના પર 18 ટકા જીએસટીના 7.12 લાખ રૂપિયા ઉમેરતાં કુલ 46.72 લાખ રૂપિયાનો ખર્ચ થશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ જ કામગીરી સોંપવાની પ્રક્રિયા આગળ વધશે.

કંપનીની ટીમ શોપિંગ ફેસ્ટિવલને માત્ર ખરીદી અને ડિસ્કાઉન્ટ પૂરતો મર્યાદિત ન રાખતાં, તેને શહેરના વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે. ફેસ્ટિવલનું આયોજન, વિવિધ સ્થળો વચ્ચે સંકલન, ઇવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ પ્રચાર જેવી જવાબદારીઓ ટીમને સોંપવામાં આવશે. સોશિયલ મીડિયા, વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પ્રચાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

ઉપરાંત, વેપારીઓ, કારીગરો, કલાકારો અને અન્ય હિતધારકો સાથે સંકલન કરીને ફૂડ, સંગીત, ફેશન, હેરિટેજ, યુવા સહભાગિતા અને મનોરંજનને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ કરાશે. ફેસ્ટિવલની સફળતા માપવા માટે KPI (સફળતાના માપદંડ) નક્કી કરાશે. મુલાકાતીઓની સંખ્યા, વેપારીઓની ભાગીદારી, વેચાણ અને આર્થિક અસરનું મૂલ્યાંકન કરીને ભવિષ્યની સીઝન માટે SOP અને અહેવાલ પણ તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉની સીઝન-2માં 71 લાખથી વધુ મુલાકાતીઓએ ફેસ્ટિવલની મુલાકાત લીધી હોવાનો અને 8,500થી વધુ વેપારીઓએ ભાગ લીધો હોવાનો દાવો કરાયો હતો. તેમ છતાં, ગ્રાહકોને વચન મુજબ ડિસ્કાઉન્ટ ન મળવાની ફરિયાદો ઊઠી હતી. ફેસ્ટિવલમાં ગ્રાહકોના પ્રતિસાદ, વેપારીઓને થયેલા ફાયદા અને આયોજન પાછળ થયેલા ખર્ચ સામે મળેલા પરિણામો અંગે પણ સવાલો થયા હતા. હવે ત્રીજી સીઝનને સફળ બનાવવા માટે કન્સલ્ટન્ટ ટીમ પાછળ 46.72 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની દરખાસ્ત તૈયાર થતાં, આ આયોજનથી ખરેખર કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું.