અમદાવાદના સિંગરવા વિસ્તારમાં સિગારેટના પૈસા બાબતે થયેલા વિવાદમાં એક દુકાનદાર પર દંડા, ક્રિકેટ બેટ અને સ્ટૂલથી હુમલો કરવાના આરોપમાં પોલીસે ચાર શખસોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને ત્યાં જાહેરમાં દંડા ફટકારી, ઉઠકબેઠક કરાવીને માફી મંગાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઓઢવ હુડકો ખાતે 'કૃણાલ પાર્લર' ધરાવતા 43 વર્ષીય સુનિલભાઈ કુશવાહે આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, 30 સપ્ટેમ્બરે રાત્રિના સમયે ડેની નામનો શખસ તેમના પાર્લર પર આવ્યો હતો અને સિગારેટ લીધા બાદ પૈસા આપવાની ના પાડતો હતો. તે સમયે દુકાન પર હાજર સુનિલભાઈના પુત્ર કૃણાલે પિતા સાથે ફોન પર વાત કરાવી હતી. સુનિલભાઈની રજૂઆત બાદ ડેનીએ પૈસા આપી દીધા હતા.
જોકે, થોડા સમય બાદ દિનેશ ઉર્ફે ડેની ઈશ્વરભાઈ ઠાકોર તેના મિત્રો પ્રેમ ઉર્ફે રાકેશભાઈ ઝાલા, ચિરાગ ઈશ્વરભાઈ ઠાકોર અને અમિત ભગવાનદાસ રાવળ સાથે બાઇક પર ફરીથી પાર્લર પર આવ્યો હતો. સિગારેટના પૈસા આપવા બાબતે અદાવત રાખીને તેમણે દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ શખસોએ કૃણાલને દુકાન બહાર ખેંચી કાઢીને દંડા, ક્રિકેટ બેટ અને સ્ટૂલથી માર માર્યો હતો. ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સુનિલભાઈ કુશવાહની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં તેમને જાહેરમાં દંડાથી ફટકારવામાં આવ્યા હતા અને કાન પકડીને ઉઠકબેઠક કરાવીને કાયદાનું ભાન કરાવીને જાહેરમાં માફી મંગાવી હતી.
ઉલ્લેખનીય છે કે, 13 મે 2026ના રોજ રાજ્યના ડીજીપીએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ અનુસાર હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે, આ ઘટનામાં પોલીસે આરોપીઓને જાહેરમાં દંડા ફટકાર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે ડીજીપીના આદેશ સામે પ્રશ્નો ઊભા કરે છે.