સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના દિલ્હી ચકલામાં શિંગોડા-ચણી બોરનું હોલસેલ બજાર, રોજ 30 ટ્રક આવે

અમદાવાદના દિલ્હી ચકલામાં શિંગોડા-ચણી બોરનું હોલસેલ બજાર, રોજ 30 ટ્રક આવે

અમદાવાદના ઐતિહાસિક દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલું ભોઈવાડા માર્કેટ શિયાળાની શરૂઆત સાથે ધમધમી ઊઠ્યું છે. આ બજાર ખાસ કરીને શિંગોડા અને ચણી બોરના હોલસેલ વેપાર માટે જાણીતું છે અને શહેરમાં આ પ્રકારનું એકમાત્ર બજાર છે.

ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ રાત્રે 30થી વધુ ટ્રકો ભરીને કાચા શિંગોડા ભોઈવાડા ખાતે લાવવામાં આવે છે. અહીંથી આખા અમદાવાદ શહેરના છૂટક વેપારીઓ અને લારીવાળાઓ સુધી શિંગોડા પહોંચાડવામાં આવે છે. હાલમાં કાચા શિંગોડાનો હોલસેલ ભાવ અંદાજે ₹160 પ્રતિ કિલો છે. લારીધારકો તેને લઈ જઈ, બાફીને શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ₹320 પ્રતિ કિલો સુધીના ભાવે વેચે છે.

ચણી બોર માટે પણ આ માર્કેટ હબ બન્યું છે. અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ વહેલી સવારે રિક્ષાઓ ભરીને ચણી બોર ભોઈવાડામાં લાવવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી શરૂ કરીને માત્ર બે-ત્રણ કલાક માટે જ આ હોલસેલ માર્કેટ ધમધમે છે, જ્યાં ચણી બોર હોલસેલમાં અંદાજે ₹60 પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

આ મૌસમી ફળો માત્ર સ્વાદ જ નહીં, પરંતુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર શિંગોડામાં કેલ્શિયમ અને મિનરલ્સ હોવાથી તે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. તેની તાસીર ઠંડી હોવાથી શરીરની એસિડિટી અને પિત્તને શાંત કરે છે અને પાચનતંત્ર સુધારે છે. તેમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

ચણી બોર વિટામિન-સીથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા નેચરલ ફાઈબર પેટ સાફ રાખવામાં અને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. બોરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાની તંદુરસ્તી જાળવવામાં અને માનસિક તણાવ ઘટાડવામાં ઉપયોગી માનવામાં આવે છે.