અમદાવાદના શીલજ સર્કલ પાસે 11 નવેમ્બરની રાત્રે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં રેપિડો ચાલક હર્ષદ પુરબિયાનું મોત નીપજ્યું છે. આ કેસમાં પોલીસે ધારાસભ્ય દિનેશ કુશવાહાના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી છે. આરોપી રાઘવેન્દ્ર પોતાની રેન્જ રોવર કાર લઈને મિત્રો સાથે રાંચરડા તરફથી આવી રહ્યો હતો, ત્યારે શીલજ સર્કલ પાસે પ્રદીપ ડોડવાલની રેપિડો બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર પાછળ બેઠેલા હર્ષદ પુરબિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાંથી સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ આરોપી રાઘવેન્દ્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા સાથે વાત કરતાં આરોપીએ દાવો કર્યો હતો કે અકસ્માત સમયે તે નશામાં નહોતો અને તેનું મેડિકલ પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે.
જોકે, આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઊઠી રહ્યા છે. અકસ્માત સર્જનાર આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા છે. વધુમાં, આરોપીએ નશો કર્યો હતો કે કેમ તે અંગેનો મેડિકલ રિપોર્ટ ક્યારે થયો અને તેમાં શું આવ્યું, તે અંગે પોલીસે સ્પષ્ટતા કરી નથી. આ પરીક્ષણ ક્યાં અને કયા સમયે કરવામાં આવ્યું તેની પણ માહિતી સામે આવી નથી. પરિણામે તપાસની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ઘટનાની વિગતો મુજબ, 11 નવેમ્બરે સાંજે સાત વાગ્યે બોપલના શીલજ સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. હર્ષદ પુરબિયા સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવવા રેપિડો બાઈક મારફતે જઈ રહ્યા હતા. તે સમયે રાંચરડા તરફથી પૂરઝડપે આવી રહેલી રેન્જ રોવર કાર સાથે તેમની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. પોલીસની પ્રાથમિક વિગતો પ્રમાણે આરોપી કલોલથી પરત ઈસ્કોન તરફ આવી રહ્યો હતો. બોપલ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.