સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં હિટ એન્ડ રન: ભાજપ ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ બાદ જામીન

અમદાવાદમાં હિટ એન્ડ રન: ભાજપ ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ બાદ જામીન

અમદાવાદના શીલજ સર્કલ નજીક 11 નવેમ્બરના રોજ થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં હર્ષદ પુરબિયા નામના યુવકનું મોત નીપજ્યું છે. પૂરઝડપે આવી રહેલી લક્ઝુરિયસ રેન્જ રોવર કારના ચાલક રાઘવેન્દ્ર કુશવાહે રેપિડો બાઈકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરીને આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે. રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા છે. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દીધા છે.

ફરિયાદી પ્રદીપ ડરવાલ (50) સેટેલાઈટમાં રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓ રેપિડોમાં મોટરસાયકલ ચલાવે છે. 11 નવેમ્બરના વહેલી સવારે તેઓ રાઈડ માટે નીકળ્યા હતા. તેમને પહેલી રાઈડ ઘાટલોડિયાની મળી હતી. ઘાટલોડિયામાં પેસેન્જરને ઉતાર્યા બાદ તેમને શીલજ સર્કલ તરફની રાઈડ મળી, જેમાં તેમણે હર્ષદ પુરબિયાને બાઈક પર બેસાડ્યો હતો. પ્રદીપભાઈ શીલજ સર્કલથી થોડા આગળ પહોંચ્યા ત્યારે પૂરઝડપે આવેલી રેન્જ રોવર કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પ્રદીપભાઈ અને હર્ષદભાઈ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પ્રદીપભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ રેન્જ રોવર કારનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આસપાસના એક વ્યક્તિએ રેન્જ રોવર કારનો નંબર લખીને પ્રદીપભાઈને આપ્યો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત હર્ષદભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હર્ષદભાઈના મોત મામલે પ્રદીપભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં કાર નંબરના આધારે અકસ્માત કરનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે નંબરના આધારે તપાસ કરતા આ કાર રાઘવેન્દ્ર કુશવાહ નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાઘવેન્દ્રની ધરપકડ કરી છે અને હિટ એન્ડ રન કેસમાં તેને જામીન આપી દીધા છે.