સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના શીલજમાં પત્નીને ગુમાવનાર પતિની ન્યાય માટે અપીલ, 48 કલાકથી આરોપી ફરાર

અમદાવાદના શીલજમાં પત્નીને ગુમાવનાર પતિની ન્યાય માટે અપીલ, 48 કલાકથી આરોપી ફરાર

અમદાવાદના શીલજ વિસ્તારમાં 11મી સપ્ટેમ્બરની રાત્રે એક દુઃખદ અકસ્માતમાં પત્નીનું મોત થયું હતું. આ ઘટનાને 48 કલાક વીતી ગયા છે, પરંતુ અકસ્માત સર્જનાર બાઇકચાલક હજી પોલીસના હાથમાં આવ્યો નથી. આથી પતિએ ભાવુક થઈને વીડિયો સંદેશ આપ્યો છે અને પત્નીને ન્યાય અપાવવા અપીલ કરી છે.

બોપલમાં રહેતા હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે અને સાયન્સ સિટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પહેલા જ હાર્દિક અને નિશિના લગ્ન થયા હતા. 11મી સપ્ટેમ્બરે રાત્રે બંને ગરબા ક્લાસમાંથી અલગ અલગ વાહનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. શીલજમાંથી પસાર થતી વખતે પૂરઝડપે આવેલા પલ્સર બાઇકના ચાલકે નિશિના વાહનને ટક્કર મારી. આ અકસ્માતમાં નિશિ 10 ફૂટ ઢસડાઈ ગઈ અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું. અકસ્માત સર્જ્યા બાદ બાઇકચાલક બાઇક મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતા હાર્દિકે રડતા રડતા વીડિયો બનાવ્યો હતો. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, 'મેં જે પોસ્ટ કરી છે તેમાં મને સપોર્ટ કરો. પોલીસ કામ કરી રહી છે પરંતુ આરોપી હજુ દૂર છે. આરોપીને પકડીને કડક સજા અપાવવામાં આવે. બધા મારી નિશિને ન્યાય અપાવો.'

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, લોકો બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે જેના કારણે કેટલાય પરિવારો તૂટે છે. તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ સમક્ષ માગ કરી છે કે, આરોપીને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે.