અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શેલા વિસ્તારમાં 15થી 20 જેટલી સોસાયટીઓના બીજા અને ત્રીજા બેઝમેન્ટમાં વરસાદ વગર જ પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનમાંથી ફૂટેલી સરવાળીના કારણે 2-3 ઇંચથી અડધા ફૂટ સુધી પાણી ભરાયું છે, જેનાથી વાહન પાર્ક કરનારા લોકો ભયભીત થયા છે.
શેલા વિસ્તારમાં ક્લબ ઓ-7 રોડ પર આવેલી મોટાભાગની ઇમારતો હાઈરાઈઝ છે, જેમાં બે-ત્રણ માળ સુધીના બેઝમેન્ટ પાર્કિંગ અને કોમન સુવિધાઓ બનાવવામાં આવી છે. કેટલાક દિવસોથી અહીંની સોસાયટીઓના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે. જમીનમાંથી નીકળતું પાણી સિમેન્ટ-કોંક્રીટના તળિયાને પાર કરીને અંદર આવી રહ્યું છે, એમ રહીશોએ જણાવ્યું છે.
સ્થાનિક રહેવાસીઓએ લાચારી વ્યક્ત કરતાં કહ્યું છે કે, બે-ત્રણ ઇંચથી લઈને અડધો ફૂટ સુધીનું પાણી બેઝમેન્ટમાં ભરાય છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડામાં ફરિયાદો કરવામાં આવી છે. અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવા આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. કેટલીક સોસાયટીઓમાં બેઝમેન્ટમાં ઊભી કરવામાં આવેલી કોમન સુવિધાઓને નુકસાની થઈ છે અને બિલ્ડિંગના બાંધકામને પણ અસર પડી રહી છે. બેઝમેન્ટમાં પોતાના વાહનો પાર્ક કરતા લોકો ડર અનુભવે છે.
સામાન્ય રીતે એક માળની ઊંચાઈ 10 ફૂટની હોય છે. આ ગણતરી મુજબ ત્રણ બેઝમેન્ટમાં 30થી 35 ફૂટનું ખોદકામ કરવામાં આવ્યું હોય છે. જો પાણીનું તળ સારું હોય તો આટલા ઊંડા બોરમાં પાણી આવી જાય છે. આ પદ્ધતિ અનુસાર જ હાલમાં ચોમાસાનું જમીનમાં સંગ્રહાયેલું પાણી બહાર આવી રહ્યું છે. બીજી તરફ જૂના વહેણ અને પાણીના સ્ત્રોત પૂરી દેવામાં આવતા પાણીનો નિકાલ થઈ શકતો નથી.
નિષ્ણાતોના મતે, શેલા સહિત આસપાસના વિસ્તારમાં આવેલા નાના-મોટા તળાવો 20-25 ફૂટ જેટલા ઊંડા કરવામાં આવે તો આ સમસ્યા ઉકેલાઈ શકે છે. તળાવો અને નાના-મોટા નાળાઓ સહિત વરસાદી પાણીના વહેણોમાંથી કાંપ કાઢીને તેમની સફાઈ કરવી જરૂરી છે. કુદરતી પાણીના વહેણો ખુલ્લા નહીં થાય તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વકરશે.