અમદાવાદમાં 18મી સપ્ટેમ્બરે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદે AMCની મોન્સૂન પહેલાંની કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરના સૌથી વ્યસ્ત SG હાઈવે પર, ખાસ કરીને કર્ણાવતી જંક્શન અને ગુરુદ્વારા અંડરબ્રિજ પાસે વરસાદી પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા ફરી સામે આવી હતી.
પકવાન બ્રિજ ચઢતી વખતે પણ પાણી ભરાયું હતું. કલાકો સુધી પાણી ન ઓસરતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેવટે તંત્રને ડી-વોટરિંગ વાનનો ઉપયોગ કરીને પાણી કાઢવું પડ્યું હતું.
આ સમસ્યાનું મુખ્ય કારણ ખામીયુક્ત ગટર વ્યવસ્થા અને રસ્તાનો ખોટો ઢાળ છે. ગટરનું લેવલ ઊંચું હોવાને કારણે પાણી આગળ જવાને બદલે પાછું આવે છે. કર્ણાવતી ક્લબ સામે બંને બાજુના મુખ્ય રસ્તા પર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કલાકો સુધી પાણીનો નિકાલ થયો ન હતો. મુખ્ય રસ્તા પર પાણી ભરાતાં ટ્રાફિક જામ થયો હતો. વાહનવ્યવહાર માટે સર્વિસ રોડ શરૂ કરવો પડ્યો હતો અને પછી પંપિંગ દ્વારા પાણી કાઢવામાં આવ્યું હતું.
ગયા વર્ષે બનાવેલી કેચપીટ પણ નકામી સાબિત થઈ છે. પકવાન બ્રિજના ઉત્તર છેડે કટ પાસે જ્યારે પણ વરસાદ પડે ત્યારે પાણી ભરાય છે અને જતું નથી. રસ્તાની કિનારે ઢાળ અને ખાડા જેવી સ્થિતિ હોવાથી પાણી ભરાય છે. આ પાણી વરસાદ બંધ થયા પછી પણ ઊતરતું નથી. તેના યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી. આ સ્થિતિ ગુરુદ્વારા જતા અને પકવાન તરફ બ્રિજ પર આવતા, બંને માર્ગો પર જોવા મળે છે. કેટલીક વાર ડિવાઇડર દેખાતા નથી, જેથી અકસ્માતની શક્યતા રહે છે.
વધુમાં, પકવાન અંડરબ્રિજથી બહાર નીકળીને નીચેથી જતા થલતેજ અને ઝાયડસ બ્રિજ જેવા એપ્રોચ પાસે દર વરસાદ પછી પાણી ભરાય છે. તેનાથી વાહનચાલકોને મુશ્કેલી થાય છે. અહીં ગયા વર્ષે કેચપીટ અને વરસાદી પાણીના નિકાલની ગટરો બનાવવામાં આવી હતી, છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. નજીવા વરસાદમાં પણ પાણી ભરાય છે અને ધોધમાર વરસાદમાં હાલત વધુ ખરાબ થઈ જાય છે.
વોટર કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, 'કર્ણાવતી ક્લબ પાસે બ્રિજનું કામ ચાલે છે, એટલે ત્યાં વરસાદમાં ટ્રાફિક થયો હશે. વરસાદ બંધ થયાના બે કલાકમાં પાણી નીકળી ગયું હતું. આ રસ્તા પર ગટર લાઇન છે અને વરસાદી લાઇન હાઈવે ઉપર છે.' ગુરુદ્વારા તરફથી પકવાન બ્રિજ ચઢતા પાણી ભરાવા અંગે તેમણે કહ્યું કે, 'ગયા વખતે વરસાદ પડ્યો ત્યારે પછી એક નવી ચેમ્બર વરસાદી પાણી માટે બનાવી છે. જેને લીધે મેઈન લાઇનનું પાણી જતું રહે છે છતાં જો આ રીતે પાણી ભરાવાની સમસ્યા થતી હોય તો અમે આ અંગે જોવડાવી લઈએ છીએ.'