અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસજી હાઇવે નજીક આવેલા એક પાર્કિંગ હેતુના પ્લોટને શૈક્ષણિક હેતુ માટે હેતુફેર કરીને ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની સંસ્થાને ફાળવવાની તૈયારી ચાલી રહી છે. આ પ્લોટની બજાર કિંમત અંદાજે 65 કરોડ રૂપિયા થાય છે. જો શૈક્ષણિક હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવે તો માત્ર 50 ટકા કિંમત એટલે કે અડધી રકમ ચૂકવવી પડશે, જેથી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.
આ પ્લોટ હીરામણિ કેમ્પસમાં આવેલો છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની 30 ઓક્ટોબરે મળનારી બેઠકમાં આ દરખાસ્ત રજૂ થવાની શક્યતા છે. ભાજપના કોર્પોરેટરોના ટેકાથી આ દરખાસ્ત આવી છે. જન સહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ સ્કૂલ ચલાવવામાં આવે છે.
ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, કોર્પોરેશનને કપાતમાં મળેલો પાર્કિંગ હેતુનો આ પ્લોટ હાલમાં હીરામણિ કેમ્પસમાં જ આવેલો છે અને તેનો અન્ય કોઈ રીતે ઉપયોગ થઈ શકે તેમ નથી. તેથી શૈક્ષણિક હેતુ માટે માંગણી કરવામાં આવી છે. જોકે પ્લોટ શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવે તો 50 ટકા લેખે ફાળવવામાં આવશે. હવે શૈક્ષણિક હેતુ માટે હેતુફેર કરી ફાળવવો કે કેમ તે અંગે હોદ્દેદારો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
બીજી તરફ, નરહરિ અમીને જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનને કપાતમાં પ્લોટ મળ્યો છે અને હીરામણિ સ્કૂલના કેમ્પસમાં ત્રિકોણીયો પ્લોટ આવેલો છે. પ્લોટમાં માત્ર પાર્કિંગ થઈ શકે એવી જગ્યા છે. કોર્પોરેશન અને સરકારના નીતિ નિયમો પ્રમાણે જાહેર હરાજીથી આ પ્લોટ ખરીદવા માટે અમે તૈયાર છીએ. અમારી સંસ્થા શૈક્ષણિક હેતુ માટે ચાલી રહી છે અને પ્લોટનો ઉપયોગ પણ શૈક્ષણિક હેતુ માટે જ કરવામાં આવશે. અમને કોઈ માર્જિનમાં બાંધકામ મળવાનું નથી. આ કોઈ કોમર્શિયલ કે અન્ય બાંધકામ માટે નથી, તેનો ઉપયોગ પાર્કિંગ માટે જ થવાનો છે.
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન જો પ્લોટ જાહેર હરાજીથી ફાળવે તો જંત્રી અને બજાર ભાવ ગણીને પૂરા પૈસા ચૂકવવા પડે છે. જ્યારે શૈક્ષણિક હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવે તો 50 ટકા કિંમતે ફાળવવામાં આવે છે. ભૂતકાળમાં કોર્પોરેશને ત્રણ પ્લોટ શૈક્ષણિક હેતુ માટે 50 ટકા કિંમતે ફાળવ્યા છે. હવે જો આ પ્લોટ પણ 50 ટકા કિંમતે ફાળવવામાં આવશે તો કોર્પોરેશનને નુકસાન થશે.
આ પ્લોટ TP 57 FP 211/2 હીરામણિ કેમ્પસમાં આવેલો છે. ત્યાં હાલમાં હીરામણિ સ્કૂલની બસોનું પાર્કિંગ થાય છે. પ્લોટ પર કોઈ શૈક્ષણિક બાંધકામ કરવાનું નથી, માત્ર પાર્કિંગ કરવાનું છે. તેથી શૈક્ષણિક હેતુ માટે પ્લોટની માંગણી કરવામાં આવી છે. હવે જો આ દરખાસ્ત મંજૂર થાય તો કોર્પોરેશનને કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.