સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં SG હાઈવે પર 4.3 કિમી લાંબો 6 લેન ઓવરબ્રિજ તૈયાર, દિવાળી પહેલા ટ્રાફિક માટે ખૂલી શકે

અમદાવાદમાં SG હાઈવે પર 4.3 કિમી લાંબો 6 લેન ઓવરબ્રિજ તૈયાર, દિવાળી પહેલા ટ્રાફિક માટે ખૂલી શકે

અમદાવાદના અતિ વ્યસ્ત એસ.જી. હાઈવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 4.3 કિલોમીટર લાંબો નવો છ લેન ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. બે વર્ષ અને ત્રણ મહિનાના નિર્માણ બાદ હવે બ્રિજ પર સફાઈનું કામ ચાલી રહ્યું છે, અને આગામી દિવાળી આસપાસ તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત સમાચારની ટીમે આ પ્રોજેક્ટનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. એનએચએઆઈ (NHAI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિજ પર સફાઈનું કામ આગામી ત્રણ-ચાર દિવસમાં પૂરું થઈ જશે. તે પછી ફક્ત સત્તાવાર ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે.

આ ઓવરબ્રિજમાં છ લેન છે. સરખેજ-સાણંદ ચોકડીથી ઈસ્કોન તરફ જતાં બ્રિજ પર ચઢવા માટે ત્રણ રેમ્પ અને ઈસ્કોનથી સરખેજ-સાણંદ ચોકડી તરફ જતાં પણ ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે.

એનએચએઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, “બ્રિજનું કામ હવે લગભગ પૂરું થઈ ગયું છે. ઉપરના ભાગનું કામ પૂરું થઈ ગયું છે અને સફાઈ ચાલી રહી છે. લાઈટોના ફિટિંગ, નોઈઝ બેરિયર અને થર્મોપ્લાસ્ટિક રોડ ફર્નિચર જેવા કામો પૂરા થઈ ગયા છે. લાઈટો પણ ચાલુ થઈ ગઈ છે. આગામી 25 તારીખ સુધીમાં ઉપરના બ્રિજનું 100% કામ પૂરું થઈ જશે. જો ઉપરથી વાહનવ્યવહાર શરૂ કરવો હોય તો થઈ શકે છે, અને નીચેના રસ્તાનું નાનું-મોટું કામ ચાલુ રહેશે.”

બ્રિજના ઉદ્ઘાટન અંગે તેમણે કહ્યું કે, ઉદ્ઘાટન કોણ કરશે અને ક્યારે કરશે તે અંગે હજી ચર્ચા ચાલી રહી છે. તારીખ આપવાનું ઉપરના અધિકારીઓ પર નિર્ભર છે.

અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરે ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું હતું કે, “અમે અમદાવાદ શહેરના તમામ બ્રિજ, રસ્તાઓ અને ખાડાઓની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજ અંગે અમારા અધિકારીઓએ એનએચએઆઈના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં આ બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણમાં ઘણી ટેકનિકલ બાબતો સામેલ હોવાથી અમે ઉતાવળ નહીં કરીએ, પરંતુ નીચેના ખાડા પૂરવાનું અને રસ્તાના સમારકામનું કામ અત્યારથી શરૂ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસું પૂરું થઈ ગયું હોવાથી નીચેના રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ થઈ શકે છે, અને બ્રિજ ખુલ્લો મૂકાય તે પહેલાં નીચેનો રસ્તો પણ તૈયાર થઈ જશે.”

ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના આદેશ બાદ એનએચએઆઈએ જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબર સુધીમાં ઉપરનો બ્રિજ ટ્રાફિક માટે ખોલી શકાય છે. હાલમાં લાઈટિંગ, ટેબલ ચેકિંગ, થર્મોપ્લાસ્ટ પેઇન્ટિંગ અને રોડ ફર્નિચરનું કામ ચાલુ છે, જે થોડા દિવસોમાં પૂરું થશે.

આ બ્રિજ ખુલવાથી એસ.જી. હાઈવે પર કર્ણાવતી અને સાણંદ ચોકડી વચ્ચેનો ટ્રાફિક દબાણ ઘટશે અને લાખો વાહનચાલકોનો સમય તથા ઇંધણ બચશે.