અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીનો 4 કિમી લાંબો 6 લેન ફ્લાયઓવર હવે લગભગ તૈયાર થઈ ગયો છે. બ્રિજની નીચેના ભાગની કામગીરી પૂર્ણ થતાં જ દિવાળી પહેલાં આ બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે થઈ શકે છે.
વેજલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, સરખેજ-ગાંધીનગર હાઈવે પર બનાવવામાં આવેલો ઓવરબ્રિજ લગભગ બનીને તૈયાર થઈ ગયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે લગભગ દિવાળી સુધીમાં બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવી શકે છે. આ બ્રિજ બનવાના કારણે એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને વાહનચાલકો અમદાવાદથી ગાંધીનગર સરળતાથી અને ઝડપી પહોંચી શકશે.
એસજી હાઈવે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સરખેજ ચોકડીથી ઈસ્કોન જંક્શન સુધી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી, જે હવે પૂર્ણતાને આરે છે. સરખેજ ચોકડીથી ઈસ્કોન વચ્ચે બ્રિજની બંને બાજુ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનો વાહનચાલકોને સીધો ફાયદો થશે. બ્રિજની બંને બાજુ મળીને કુલ 6 રેમ્પ બનાવવામાં આવ્યા છે.
ઓવરબ્રિજ પર નોઈઝ બેરિયર અને થર્મોપ્લાસ્ટિક રોડ ફર્નિચર જેવા તમામ કામો પૂરા થઈ ગયા છે. હાલમાં બ્રિજની સફાઈની કામગીરી ચાલી રહી છે. રેમ્પના ભાગમાં નાના-મોટા લાઈટ ફિટિંગના કામ બાકી છે. બ્રિજની નીચે રોડની બાજુની કેટલીક કામગીરી બાકી છે, જે લગભગ 30 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આથી 31 ઓક્ટોબર સુધીમાં આ બ્રિજ શરૂ કરી દેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.