સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના એસજી હાઈવે પર નવો બ્રિજ ખામીઓ સાથે ખુલ્લો, વાહનચાલકોમાં ચિંતા

અમદાવાદના એસજી હાઈવે પર નવો બ્રિજ ખામીઓ સાથે ખુલ્લો, વાહનચાલકોમાં ચિંતા

અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી સરખેજ તરફ જવાનો નવો બ્રિજ શરૂ થયાના થોડા જ દિવસોમાં વિવાદમાં આવ્યો છે. બ્રિજ પર નાની-મોટી ખામીઓ સામે આવતાં વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર રીલ બનાવીને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ત્યારબાદ એબીપી અસ્મિતાએ સરખેજ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ અને કર્ણાવતી ક્લબથી પ્રહલાદનગર સુધીના બ્રિજનું રિયાલિટી ચેક કર્યું હતું.

રિયાલિટી ચેકમાં બ્રિજ પર અનેક જગ્યાએ બેદરકારી જોવા મળી હતી. બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાયો છે, પણ યોગ્ય સફાઈ કર્યા વગર જ શરૂ કરાયો હોવાનું જણાયું છે. સર્વિસ રોડ પર સફેદ પટ્ટાની આસપાસ નાના-મોટા પથ્થરો પડેલા જોવા મળ્યા હતા. આ પથ્થરો વાહનોના ટાયર નીચે આવતાં બ્રિજની ગુણવત્તા પર પ્રશ્ન ઊઠે છે. સરખેજથી પ્રહલાદનગર સુધીના બ્રિજ પર એનએચએઆઈ (NHAI)ની કામગીરી સંતોષકારક ન હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું. અનેક જગ્યાએ રોડ ઉબડખાબડ હતો, તો કેટલીક જગ્યાએ ડામર પણ પાથરવામાં આવ્યો ન હતો.

બ્રિજના બે સ્પાન વચ્ચે છોડવામાં આવેલી જગ્યાને કારણે વાહનો પસાર થાય ત્યારે જમ્પ થવાની સમસ્યા પણ સામે આવી છે. નિયમ કરતાં વધુ જગ્યા છોડવામાં આવી હોવાથી વાહનોની ગતિ વખતે પછડાટ લાગે છે, જે અકસ્માતનું જોખમ ઊભું કરી શકે છે. બ્રિજ શરૂ થયાના થોડા જ દિવસોમાં આ ક્ષતિઓ સામે આવતાં બ્રિજની કામગીરી અને ગુણવત્તા પર સવાલો ઊઠ્યા છે. હવે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર આ ક્ષતિઓ ક્યારે દૂર કરે છે તે જોવાનું રહ્યું.

નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડીથી ઇસ્કોન જંકશન સુધીનો 450 કરોડથી વધુના ખર્ચે બનાવેલો બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને મોટો ફાયદો થયો છે, પરંતુ બ્રિજ પરના રોડની કામગીરી અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.

અમદાવાદના એસજી હાઈવે પર નવનિર્મિત બ્રિજમાં અનેક નાની-મોટી ખામીઓ સામે આવી છે. બ્રિજ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ વાહનચાલકોએ તેની કામગીરી અને ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે.

બ્રિજ પર સફાઈનો અભાવ, સર્વિસ રોડ પર પથ્થરો, ઉબડખાબડ રોડ અને બ્રિજના બે સ્પાન વચ્ચે નિયમ કરતાં વધુ જગ્યા જેવી ખામીઓ જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ડામર પણ પાથરવામાં આવ્યો ન હતો.

બ્રિજના બે સ્પાન વચ્ચે નિયમ કરતાં વધુ જગ્યા છોડવામાં આવી હોવાથી વાહનો પસાર થાય ત્યારે જમ્પ થાય છે. આના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ 450 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે.