અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની ફાંસીની સજા પર અમલ સ્થગિત (સ્ટે) કરી દીધો છે. સાથે જ ગુજરાત સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે.
અહેમદ બાવાએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આ નિર્ણય લીધો હતો. દોષિતના વકીલે દલીલ કરી હતી કે તેમને માત્ર કાવતરાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને ફાંસી પર રોક લગાવી દીધી છે.
સુનાવણી દરમિયાન કેસ સંબંધિત દસ્તાવેજોના અનુવાદનો મુદ્દો પણ ઊપસ્યો હતો. બચાવ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટના મોટાભાગના દસ્તાવેજો સ્થાનિક ભાષામાં છે. તેથી ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અને સંબંધિત કાગળોનો અનુવાદ પૂરો પાડવા માટે અલગ અરજી દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈ 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખીને 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો. જેમાં અહેમદ બાવાનો પણ સમાવેશ થાય છે.