અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં 36 વર્ષીય એક સિક્યોરિટી ગાર્ડ પર ગત રાત્રે સામૂહિક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક પર પહેલેથી ચાલતી બોલાચાલીની અદાવત રાખીને પાંચ શખ્સો અને તેમના 10થી 15 સાથીઓએ રસ્તા પર દોડાવીને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને સાત શખ્સોની ધરપકડ કરી છે.
યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, 31 ઓક્ટોબરના રોજ તેણે રાહુલ લુહારને પોતાની ચાલી પાસે આંટા મારવાની ના પાડી હતી, જેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પહેલાં 30 ઓક્ટોબરના રોજ લખન પાટીલે યુવકની પત્નીને ઘરે આવીને ધમકી આપી હતી. 1 નવેમ્બરના રોજ રાહુલ તરફથી ધમકીભર્યા કૉલ આવ્યા બાદ ડરેલો યુવક પોતાના પરિવાર સાથે સૈજપુર ટાવર પાસે રહેતા સંબંધીના ઘરે રાત રોકાવા ગયો હતો.
1 નવેમ્બરની રાત્રે પોણા અગિયાર વાગ્યાની આસપાસ રાહુલ લુહાર, લખન પાટીલ, આનંદ પાટીલ, રમેશ લુહાર અને મેહુલ લુહાર સમાધાનના બહાને ત્યાં પહોંચ્યા હતા. યુવક ઘરની બહાર નીકળતાં જ આ પાંચ શખ્સો અને તેમની સાથે આવેલા 10થી 15 લોકોએ તેને ગાળો બોલીને માર માર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે રાહુલે કમરના પટ્ટાથી હુમલો કર્યો હતો અને ટોળાએ યુવકને રસ્તા પર દોડાવીને માર માર્યો હતો.
ફરિયાદ અનુસાર, કરણ લુહાર આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો હતો જ્યારે મેહુલ લુહાર બચાવવા આવતા લોકોને એમ કહીને ગેરમાર્ગે દોરી રહ્યો હતો કે યુવકે છોકરીની છેડતી કરી છે. આરોપીઓએ યુવકના કપડાં ફાડી નાખ્યા હતા અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાત શખ્સોની ધરપકડ કરી છે.