સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપી ઝડપાયા

અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપી ઝડપાયા

અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં 10થી 15 લોકોનું ટોળું સામેલ હતું, જેમાંથી કૃષ્ણનગર પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ માહિતી અનુસાર, સૈજપુરમાં રહેતા 36 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ કપિલ સાથે જૂની અદાવત હતી. 31 ઓક્ટોબરે ચાલી પાસે આંટા મારવાની ના પાડવા બાબતે બોલાચાલી થઈ હતી. તે પછી 1 નવેમ્બરની રાત્રે રાહુલ લુહાર, લખન પાટીલ, આનંદ પાટીલ, રમેશ લુહાર અને મેહુલ લુહાર સહિત 10થી 15 લોકોનું ટોળું સમાધાનના બહાને કપિલ પાસે પહોંચ્યું હતું. કપિલ બહાર આવતાં જ ટોળાએ તેમના પર હુમલો કર્યો અને રસ્તા પર દોડાવી-દોડાવીને પટ્ટા વડે માર માર્યો હતો.

હુમલાખોરોએ સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવા માટે કપિલ પર છોકરીની છેડતી કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો, જેથી કોઈ તેમની મદદે ન આવે. આ ઉપરાંત, કરણ લુહાર નામના એક શખસે સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આરોપીઓએ કપિલને ધમકી આપી હતી કે જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.

ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.