સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પૈસાની લેતી દેતીમાં મિત્રએ મિત્રનું સ્કૂટર સળગાવ્યું

અમદાવાદમાં પૈસાની લેતી દેતીમાં મિત્રએ મિત્રનું સ્કૂટર સળગાવ્યું

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પૈસાની લેતી દેતીની જૂની અદાવતને કારણે એક યુવકે તેના જ મિત્રના ટુ-વ્હીલરમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે આશરે ૧:૩૦ વાગ્યે બનેલી આ ઘટનામાં પરિવાર અને આસપાસના રહીશોએ તાત્કાલિક પાણી છાંટીને આગ કાબૂમાં લીધી હતી.

બાપુનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ, સોમનાથ મંદિર પાસે રહેતા અને પ્લાસ્ટિક કંપનીમાં માર્કેટિંગ કરતા ૪૪ વર્ષીય પ્રવીણ રાઇકુવડે આરોપી પુષ્પરાજસિંહ વાઘેલા (૨૫) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રવીણના જણાવ્યા અનુસાર, તેમના મોટાભાઈ હિતેન્દ્રની પત્ની, પુત્ર જય અને પુત્રી વંશિકા નીચેના માળે રહે છે. પ્રવીણે તેમના ભત્રીજા જયને મોપેડ ખરીદી આપ્યું હતું. ૨૧ ઓક્ટોબરે સાંજે ૬ વાગ્યે જય પોતાનું મોપેડ ઘર આગળ પાર્ક કરીને મિત્રને મળવા ચંદીગઢ ગયો હતો.

તે જ દિવસે રાત્રે આશરે ૧:૩૦ વાગ્યે પ્રવીણ પાણી પીવા માટે બહાર આવ્યા ત્યારે ઘર આગળ પાર્ક કરેલા મોપેડમાં આગ લાગેલી જોઈ. તે સમયે જયનો મિત્ર પુષ્પરાજસિંહ ત્યાંથી ભાગતો જોવા મળ્યો હતો. પ્રવીણ અને આસપાસના લોકોએ ભેગા થઈને પાણી છાંટી આગ બુઝાવી હતી.

બાદમાં જયને ફોન કરતાં તેણે જણાવ્યું કે, અગાઉ પૈસાની લેતી દેતી બાબતે પુષ્પરાજસિંહ સાથે બોલાચાલી થઈ હોવાથી તેણે અદાવત રાખીને વાહન સળગાવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.