સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: સાયન્સ સિટી રોડ પર લક્ઝરી કારમાં ચાલતું 'VIP રાત્રિ બજાર' AMCએ ખાલી કરાવ્યું

અમદાવાદ: સાયન્સ સિટી રોડ પર લક્ઝરી કારમાં ચાલતું 'VIP રાત્રિ બજાર' AMCએ ખાલી કરાવ્યું

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર છેલ્લા છ મહિનાથી એક અલગ પ્રકારનું બજાર જોવા મળતું હતું. અહીં લોકો ઓડી, બીએમડબલ્યુ જેવી મોંઘી કારમાં આવીને રસ્તાની બાજુમાં ચણિયાચોળી, પરફ્યુમ, કેક અને જ્વેલરી જેવી વસ્તુઓનું વેચાણ કરતા હતા. નવરાત્રીને ધ્યાનમાં રાખીને આ બજાર ખાસ ધમધમતું હતું.

આ બજારની ખાસિયત એ હતી કે વેચાણ માટે દુકાન કે સ્ટોલને બદલે મોંઘીદાટ કારનો ઉપયોગ થતો હતો. ગ્રાહકોને સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી બોલાવીને રસ્તાની બાજુમાં જ વસ્તુઓ બતાવીને વેચાણ કરવામાં આવતું હતું. જોકે, જાહેર રસ્તા પર આ રીતે વેચાણ અને વાહનો પાર્ક થવાથી ટ્રાફિક તેમજ રાહદારીઓની અવરજવરમાં તકલીફ થતી હતી.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 2 ઓક્ટોબરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ટ્રકો સાથે સાયન્સ સિટી રોડ પર પહોંચી હતી. ટીમે રસ્તા પર ઊભી કરાયેલી વેચાણની તમામ વ્યવસ્થા હટાવીને વિસ્તાર ખાલી કરાવ્યો હતો. આ કાર્યવાહીને કારણે અચાનક ઊભું થયેલું 'નવરાત્રી બજાર' બંધ થઈ ગયું છે.

છેલ્લા છ મહિનામાં ધીમે ધીમે વિકસેલો આ ટ્રેન્ડ હવે કોર્પોરેશનની કાર્યવાહી બાદ કેટલો ટકે છે તે જોવાનું રહેશે. હાલ રોજ પોલીસ અને કોર્પોરેશન આ બજાર પર વોચ રાખશે, જેથી ભવિષ્યમાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય.