અમદાવાદમાં ફરી એક વાર શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ વખતે વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. ધમકીની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. વાલીઓને મેસેજ કરીને બાળકોને લઈ જવા સૂચના આપવામાં આવી હતી. ભયના માહોલ વચ્ચે વાલીઓ દોડતા શાળાએ પહોંચ્યા અને બાળકોને ઘરે લઈ ગયા. ફાયર વિભાગની બે ગાડીઓ અને પોલીસની ટીમ પણ શાળાએ પહોંચી છે. આખી સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું કે, જે શાળાઓને ધમકીનો ઈમેલ મળ્યો હોય તેમણે પોલીસને જાણ કરવી જોઈએ. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢીને પોલીસને તપાસમાં સહકાર આપવા સૂચના આપવામાં આવી છે.
પોલીસે ધમકી ભર્યા ઈમેલની તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ વાલીઓમાં ચિંતા અને દોડધામ જોવા મળી હતી.