અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઇટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલયને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ધમકીભર્યા ઈમેલમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીતના કોન્સર્ટનો પણ ઉલ્લેખ છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ વાલી પોતાના બાળકને દિલજીતના કોન્સર્ટમાં ન મોકલે, અને સ્કૂલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે.
આ ધમકીને પગલે સેટેલાઇટની શ્રી નારાયણ ગુરુ સ્કૂલ-કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીની MA સેમેસ્ટર-3ની પરીક્ષા હતી. સવારે 11 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ 750 પરીક્ષાર્થીઓને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરીક્ષા ફરી ક્યારે યોજાશે તે અંગે વિદ્યાર્થીઓ ચિંતામાં છે.
શાળાઓને મળેલી ધમકી અંગે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું કે, જે શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, તેમને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે. શાળામાંથી તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢીને માતા-પિતાને સોંપી દેવા આદેશ આપવામાં આવ્યો છે. તપાસમાં પોલીસને સહકાર આપવા પણ જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 11 મહિનામાં અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી મળવાની આ આઠમી ઘટના છે.