સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની 10 શાળાઓ અને મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી, વિદ્યાર્થીઓ સલામત રીતે ઘરે મોકલાયા

અમદાવાદની 10 શાળાઓ અને મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી, વિદ્યાર્થીઓ સલામત રીતે ઘરે મોકલાયા

અમદાવાદમાં બુધવારે 10 શાળાઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, જેમાં 'અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ' લખ્યું હતું અને શાળાઓને સવારે 11:11 વાગ્યે ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 1 નવેમ્બરે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનાર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોડકદેવની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટની એસજીવીપી સ્કૂલ, છારોડીની સંત કબીર સ્કૂલ, ડ્રાઈવ-ઈન રોડની એશિયા સ્કૂલ અને મેમનગરની એચ.બી.કે. સ્કૂલ સહિત 10 શાળાઓને આ ધમકી મળી હતી.

શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું કે, તમામ શાળાઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ન ફેલાય તે રીતે તેમને બહાર કાઢી વાલીઓને સોંપવા સૂચના આપવામાં આવી છે. ઝાયડસ સ્કૂલે વાલીઓને મેસેજ મોકલીને બાળકોને વહેલા લઈ જવા જણાવ્યું હતું.

એક વાલીએ 'દિવ્ય ભાસ્કર'ને કહ્યું, 'બોમ્બની ધમકી મળે ત્યારે ડર લાગે છે કે શું થશે. શાળાએ મેસેજ કરતાં હું તરત દીકરીને લેવા આવ્યો.'

ઉલ્લેખનીય છે કે, 10 સપ્ટેમ્બરે પણ ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. તે સમયે પણ 'ગુજરાત બોલશે ખાલિસ્તાન ઝિંદાબાદ' લખીને ઈમેલ મોકલાયો હતો, પરંતુ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.