અમદાવાદમાં RTE (શિક્ષણનો અધિકાર) હેઠળ પ્રવેશ મેળવનાર 54 બાળકો સરકારી સહાયથી વંચિત રહ્યા છે. સોલાની સોલારિસ પબ્લિક સ્કૂલે RTE પોર્ટલ પર બાળકોની એન્ટ્રી ન કરતા આ સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ તપાસ કરતા સ્કૂલની બેદરકારી સામે આવી, જેના પગલે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલને હવે બાળકોની એન્ટ્રી કરવાનો આદેશ અપાયો છે, જેથી તેમને સહાય મળી શકે.
RTE યોજના હેઠળ પ્રવેશ લેનારા બાળકોને દર વર્ષે સરકાર દ્વારા ₹3,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ આ સહાય માટે સ્કૂલે બાળકોની RTE પોર્ટલ પર ફરજિયાત એન્ટ્રી કરવાની હોય છે. શહેર DEOના જણાવ્યા મુજબ, સોલારિસ પબ્લિક સ્કૂલે બાળકોની એન્ટ્રી જ ન કરતા ચાલુ વર્ષે 54 બાળકો RTEની સહાયથી વંચિત રહ્યા છે. જેથી આ સ્કૂલને ₹10,000નો દંડ કરાયો છે.
આ વર્ષે RTE હેઠળના કુલ 80,000થી વધુ બાળકોને ₹3,000ની સહાય ચૂકવી દેવામાં આવી છે. પરંતુ સોલારિસ પબ્લિક સ્કૂલમાં બાળકોને સહાય ન મળતા એક વાલીએ ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ કરતા ધ્યાને આવ્યું હતું કે સોલારિસ સ્કૂલે RTEના બાળકોની એન્ટ્રી RTE DBT પોર્ટલ પર કરી જ ન હતી. જુદા જુદા ધોરણના કુલ 54 બાળકો આ સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ મેળવીને ભણી રહ્યા છે.
સ્કૂલે બેદરકારી દાખવીને એન્ટ્રી જ ન કરતા બાળકો સહાયથી વંચિત રહ્યા હતા. જેથી અમદાવાદ શહેર DEOએ RTE એક્ટની જોગવાઈ મુજબ સ્કૂલને ₹10,000નો દંડ ફટકાર્યો છે. જો કે સ્કૂલની ભૂલને લીધે બાળકો સહાયથી વંચિત રહી ગયા છે ત્યારે હવે બાળકોની એન્ટ્રી કરાવવા સ્કૂલને આદેશ કરાયો છે. હવે એન્ટ્રી બાદ જ સહાય મળશે.